મોરબી જીલ્લાના માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં એસ.ટી. બસ સેવાની અછતના કારણે સ્થાનિકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ માટે મુસાફરી કરતા લોકોના હિતમાં બસ સેવા પુનઃ ચાલુ કરવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રાજકોટ એસ.ટી. ડેપોના ગ્રામ્ય વિભાગના નિયામકને લેખિત રજુઆત કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જણાવ્યું કે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ગામે એસ.ટી. બસની સુવિધાનો અભાવ હોવાથી મહેન્દ્રગઢ ગામના વિધાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ ગામલોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ વિધાર્થીઓ તેમજ ધંધાર્થીઓ સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી.
આ સાથે પ્રમુખ દ્વારા માંગ કરાઈ છે કે અગાઉ મોરબી-સરવડ વાયા મહેન્દ્રગઢ-સરવડનો ફેરો સવારનો જે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરાવવો અથવા તો સવારે ૮.૦૦ કલાકના સમયમાં પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડ-મહેન્દ્રગઢ તરફ ચલાવવો, મોરબી-માળીયા ૩.૪૫ કલાકે ઉપડતો રૂટ ખુબ જ અનિયમિત સમયે ચાલે છે. જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય આ રૂટ સમયસર કરાવવો આ ઉપરાંત રાજકોટ-માળીયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે તથા સાંજે ખુબ મોડી ઉપાડે છે જે રૂટ સમયસર કરાવવો.
ઉપરોકત પ્રશ્નોને ધ્યાને લઈ મહેન્દ્રગઢ ગામના રૂટ નિયમિત કરી વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તથા ગામલોકોના મહત્વના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ લાવવા વિશેષ વિનંતીસહ રજુઆત કરવામાં આવી છે.