દારૂ મોકલનાર મહિલા આરોપી તથા એકટીવામાં દેશી દારૂ આપી જનાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે સાયન્ટિફિક રોડ ખાતે આવેલ મહિલા આરોપીના રહેણાંકમાં રેઇડ કરતા મકાનમાંથી ૧૨૦ લીટર દેશી દારૂ તથા એકટીવા મોપેડ સહિતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ગઈ રાત્રીના બાતમી મળી કે ત્રાજપરવાળા આશાબેન ગોલીભાઈ કોળી પોતાના માણસો મારફત દેશી દારૂનો જથ્થો સાયન્ટિફિક રોડ ઉપર આવેલ રહેણાંકમાં મોકલનાર છે, જે બાતમીને આધારે પોલીસ ટીમ સાયન્ટિફિક રોડ ખાતે વોચમાં હોય તે દરમિયાન એક એકટીવા મોપેડ રજી.નં. જીજે-૩૬-એજી-૨૬૫૦ લીલાપર રોડ તરફથી આવી સાયન્ટિફિક રોડ ખાતે આવેલ મનીષાબેન સુરેશભાઈ થરેશાના ફળીયામાં એકટીવા રાખી નાસી ગયો હતો, ત્યારે એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા એકટીવા મોપેડમાં પ્લાસ્ટિકના બે બાચકામાંથી ૧૨૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ સાથે પોલીસે એકટીવા, દેશી દારૂ સહિત રૂ.૭૪,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મહિલા આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશા ઉવ.૩૮ રહે.મોરબી સાયન્ટિફિક રોડવાળા હાજર મળી આવતા તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે દેશી દારૂ મોકલનાર મહિલા આરોપી આશાબેન ગોલીભાઈ કોળી રહે.ત્રાજપરવાળા તથા એકટીવામાં દેશી દારૂ આપી જનાર આરોપી આશાબેનનો માણસ એમ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.