માલ મોકલનાર મહિલા આરોપી તથા માલ મંગાવનારનું નામ ખુલ્યું.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે વામાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી આઈ-૨૦ કારમાં દેશી દારૂનો જંગી જથ્થો હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે દેશી દારૂ મોકલનાર ચોટીલા તાલુકાના ચીરોડા(ભાદર) ગામની મહિલા આરોપી તથા માલ મંગાવનાર મોરબીના ધરમપુરના એક શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે આઈ-૨૦ કાર તથા દેશી દારૂનો જથ્થો કબ્જે લઈ કુલ ચાર આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવી વોન્ટેડ મહિલા આરોપી સહિતનાને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાંકાનેરના વઘાસીયા ટોલનાકે વોચમાં હોય ત્યારે વાંકાનેર તરફથી એક આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૦૧-આરએમ-૩૭૬૩ રોકી તેમાં તલાસી લેતા ૪૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૮૦ હજાર મળી આવ્યો હતો, જેથી તુરંત કાર-ચાલક આરોપી વિજયભાઈ લાખાભાઈ ચૌહાણ ઉવ.૨૫ તથા આરોપી જયંતીભાઈ જકસીભાઈ ચૌહાણ ઉવ.૩૫ બન્ને રહે. ચીરોડા(ભાદર) બંનેની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ બંને આરોપીઓની સઘન પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર મહિલા આરોપી ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ તથા માલ મંગાવનાર રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળી રહે.મોરબી તાલુકાના ધરમપુર ગામ વાળાના નામની કબુલાત આપી હતી, આ સાથે એલસીબી પોલીસે દેશી દારૂનો જંગી જથ્થો, આઈ-૨૦ કાર સહિત ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.