ગાંધીધામના પંજાબ નેશનલ બેંકમાં આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડ ઓપરેટર તરીકે કામ કરતા યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાને આધારકાર્ડ માં સુધારા વધારા માટે સરકાર માન્ય ચાર્જ સિવાય વધારામાં રૂપિયા રૂ.૧૦૦ લેતા પકડી એ. સી. બી. દ્વારા સફળ ડીકોય કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકની બહાર સરકારની પ્રજાલક્ષી આધારકાર્ડની વિતરણ કામગીરીમાં સરકારના નિયમોનુસાર ફી (ચાર્જ) લેવાની હોય છે. પરંતુ એ.સી.બી. ગાંધીધામને ખાનગી રાહે બાતમી મળી કે પંજાબ નેશનલ બેંકની બહાર આધારકાર્ડમાં સુધારા વધારા (અપડેટ) કરનાર આધારકાર્ડ ઓપરેટર દ્વારા પ્રજાજનો પાસેથી સરકારની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર રીતે લાંચ પેટે રૂપિયા ૧૦૦/- થી ૧૦૦૦/- સુધીની માંગણી કરી સ્વીકાર કરવામાં આવે છે જે બાતમીના આધારે કાર્યવાહી કરવા વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડિકોય છટકા દરમ્યાન આરોપી યુવરાજસિંહ બટુકસિંહ વાઘેલાએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડીકોયરના આધારકાર્ડમાં તેઓના મોબાઇલ નંબર અપડેટ કરી સરકારની નિયત કરેલ ફી ઉપરાંત ગેરકાયદેસર લાંચ પેટે રૂપિયા ૧૦૦/-ની માગણી કરી, સ્વીકાર કરતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરી બોર્ડર એકમ ભુજ એસીબી મદદનીશ નિયામક કે.એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ ટ્રેપીંગ અધિકારી તરીકે એલ.એસ.ચૌધરી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, કચ્છ(પૂર્વ), એ.સી.બી., પોલીસ સ્ટેશન ગાંધીધામ તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.