મોરબી:આગામી ૨૩ ફેબ્રુઆરી, રવિવારના રોજ મહા વદ-દસમીના દિવસે મોરબીના જલારામ ધામ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની ૧૪૪મી પૂણ્યતિથિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ અને સુંદરકાંડના પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે ભાવિક ભક્તજનોને આ પવિત્ર પ્રસંગમાં જોડાવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
મોરબી શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ ધામ ખાતે આ વર્ષે સંત શિરોમણી જલારામ બાપાની ૧૪૪મી પૂણ્યતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. તા. ૨૩ ફેબ્રુઆરી, રવિવારે યોજાનાર આ ધાર્મિક પ્રસંગ દરમિયાન વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાંજે ૪ કલાકે બાપા સીતારામ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન યોજાશે. ત્યારબાદ સાંજે ૭ કલાકે મહાઆરતી અને ૭.૩૦ કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જે બાદ રાત્રે ૯ કલાકે મોરબી-૨ના સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે જલારામ ધામ-મોરબી તરફથી તમામ ભક્તજનોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.