ટંકારાના સાવડી-ઓટાળા ગામ વચ્ચે એસ્સારના પેટ્રોલ પંપ નજીક અકસ્માતની દુર્ઘટનાની ઘટનામાં પુરપાટ આવતી કાર હડફેટે રોડ ક્રોસ કરી રહેલ ખેત શ્રમિક પરિવારના ૧૦ વર્ષીય પુત્રનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવ બાદ કાર ચાલક ત્યાંજ હાજર હોય ત્યારે મૃતકના પિતાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ડુક્કર બેલે ગામના વતની હાલ સાવડી ગામે શિવલાલભાઈ ગોસરાની વાડીની ઓરડીમાં રહેતા ખજાનભાઈ ભીમસિંહ રાઠવા ઉવ.૨૯ નામના ખેત શ્રમિકનો પુત્ર શૈલેષભાઇ ઉવ.૧૦ ગઈકાલ તા.૨૩/૦૨ ના રોજ સવારે સાવડી અને ઓટાળા ગામ વચ્ચે રોડ ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીક રોડ ઓળંગી રહ્યો હોય ત્યારે કાર રજી.નં.જીજે-૦૩-જેએલ-૬૩૯૨ના ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા રહે.ધ્રોલ જી.જામનગરવાળાએ પોતાની કાર પુરપાટ ઝડપે અને બેદરકારી રીતે ચલાવી ખેત શ્રમિકના ૧૦ વર્ષીય પુત્રને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં ૧૦ વર્ષીય બાળકને માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા માસુમનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હાલ મૃતક શૈલેષના પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર ચાલક આરોપી વિરુદ્ધ કેસ રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.