મોરબીમાં હાલ યુવાધન કેફી પ્રવાહી પીવાના અને વેચાણના રવાડે ચડ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દેશી દારૂ વેચાણ કરવાના રોજના ૧૦૦૦ રૂપિયા દહાડી આપી યુવકો પાસે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે તાલુકા પોલીસે મોરબીના પીપળી ગામ નજીક એકટીવા ઉપર દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા નીકળેલ બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પકડાયેલા બન્ને આરોપીની પુછતાછમાં દેશી દારૂનો જથ્થો આપનાર તથા માલ વેચાણ માટે દહાડી આપનાર બંને ઇસમોના નામની કબુલાત આપતા તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીપળી ગામની સીમમાં સિસમ ગ્રેનાઈટો કારખાના સામે એકટીવા મોપેડ ઉપર સવાર બે ઈસમો શંકાસ્પદ હાલતમાં ત્યાંથી પસાર થતા પોલીસે એકટીવા રોકી તલાસી લેતા એકટીવામાં ૨૭ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે એકટીવા ચાલક આરોપી સાગરભાઈ જગદીશભાઈ પંડ્યા ઉવ.૨૧ રહે.મોરબી રણછોડનગર તથા સચિનભાઈ ભરતભાઇ અદગામા ઉવ.૧૯ રહે.કાલિકા પ્લોટ શેરી નં.૩ વાળાની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે બન્ને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આરોપી આરીફશા આલમશા રહે.મોરબી વીસીપરા વાળો આ દેશી દારૂનો જથ્થો આરોપી તોફિકભાઈ ગુલામભાઈ સુમરાને આપી ગયો હોય અને તોફિકભાઈ સુમરા આ દેશી દારૂ નું વેચાણ કરવા રોજના રૂ.૧૦૦૦/- પકડાયેલ આરોપીઓને આપતો હોવાનું જણાવ્યું હતું, ત્યારે પોલીસે એકટીવા તથા દેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.૫૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી હાજર નહીં મળેલ આરોપીઓને પકડી લેવા શોધખોળ શરૂ કરી છે.