મહત્વપૂર્ણ ઠરાવો અને ગ્રાન્ટ મંજુરીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક ૧૦ માર્ચ સોમવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે મોરબી જીલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાશે. આ બેઠકમાં ગત ઠરાવોની અમલવારી, વિવિધ સમિતિઓની કાર્યવાહી, દિવ્યાંગ માટે વ્હીલચેર ખરીદી, UPSC પરીક્ષા માટે સહાય, જીલ્લા પંચાયતના બજેટ તથા નવા વિકાસ કામોની મંજુરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
મોરબી જીલ્લા પંચાયત દ્વારા ૧૦ માર્ચે યોજાનારી સામાન્ય સભાની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવો લેવામાં આવશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, ગત બેઠકની કાર્યવાહીના દરખાસ્ત મંજૂર કરવાના રહેશે અને અગાઉના ઠરાવોની અમલવારી પર ચર્ચા થશે. આ ઉપરાંત, વિવિધ સમિતિઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયો પર પણ સભ્યોની મંજુરી લેવાનો મુદ્દો રહેશે. જીલ્લા વિકાસ અધિકારીની ગ્રાન્ટમાંથી ૫૪ દિવ્યાંગ લોકોને વ્હીલચેર આપવાની મંજૂરી તેમજ ૫૦ UPSC વિદ્યાર્થીઓ માટે રૂ.૧૫,૦૦૦/-ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવશે. સાથે જ, મોરબી જીલ્લા પંચાયતનું ૨૦૨૪-૨૫ નું સુધારેલ અને ૨૦૨૫-૨૬નું બજેટ મંજૂર કરવાનું રહેશે. આ સિવાય, ૨૦૨૩-૨૪ના વાર્ષિક હિસાબ રજુ કરાશે. બીજા વિકાસના કામોમાં પ્રમુખની ગ્રાન્ટમાંથી આંગણવાડી રિનોવેશન માટે રૂ.૧૩.૧૬ લાખની મંજુરી, જીલ્લા પંચાયતની રેતી રોયલ્ટી અને સ્વભંડોળના વિકાસ કામોની મંજૂરી, નવા બનનાર સ્ટાફ ક્વાર્ટરની મરામત અને નિભાવણી અંગે ઠરાવ તથા ૧૫મા નાણાં પંચના ૨૦૨૫-૨૬ માટે ૧૦% જીલ્લા કક્ષાના આયોજનની મંજુરી સહિતના નિર્ણયો લેવામાં આવશે.