મોરબીના દલવાડી સર્કલ નજીક રોડ ક્રોસ કરતા બુલેટને પાછળથી ટક્કર મારવા બાબતે ધ્યાનથી ચલાવવાનું કહેતા ફોર્ચ્યુનર કારમાં સવાર ચાર શખ્સો દ્વારા બુલેટ ચાલક યુવકને ઢીકા-પાટુ તથા ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ફોર્ચ્યુનર કાર સવાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના કંડલા હાઇવે મચ્છોનગરમાં રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા ઉવ.૨૮ એ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી ફોર્ચ્યુનર કાર રજી.નં. જીજે-૦૩-એફકે-૦૨૫૬ના ચાલક સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૦૨/૦૩ના રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં વિજયભાઈ અને તેમની આઇસર ગાડીનો ડ્રાઇવર પોતાના બુલેટ બાઇક રજી.નં. જીજે-૦૩-એ-૮૭૩૬ ઉપર ઉમિયા સર્કલથી નાસ્તો લઈને પોતાના ઘરે જતા હોય ત્યારે દલવાડી સર્કલ પાસે હાઇવે રોડ ક્રોસ કરતી વેળા પિતાનું બુલેટ ઉભું રાખ્યું ત્યારે પાછળ આવી રહેલ ઉપરોક્ત ફોર્ચ્યુનર કારના ચાલકે બુલેટને પાછળથી ઠોકર મારી હતી, જેથી વિજયભાઈ ફોર્ચ્યુનર કારના ચાલકને કહ્યું કે થોડું ધ્યાન રાખો, જે બાબતે તેઓને સારું નહીં લાગતા ફોર્ચ્યુનર કારણ ચાલક તથા તેમાં સવાર અન્ય ત્રણ શખ્સો દ્વારા વિજયભાઈ સાતગે બોલાચાલી કરી ઢીકા પાટુનો માર મારવા લાગેલ ત્યારબાદ ફોર્ચ્યુનર કારમાંથી ધોકા વડે વિજયભાઈને શરીરે અને માથામાં માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી કાર મૂકીને ચારેય શખ્સો ભાગી ગયા હતા, જે મુજબની ફરિયાદને આધારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.