વાંકાનેરના તીથવા ગામે મોટાભાઈના મકાનમાં રહેતા ભાડુઆતને ત્યાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીના પિયર પક્ષના લોકો આવી મોટે-મોટેથી ગાળો બોલતા હોય જે બાબતે બાજુમાં રહેતા નાનાભાઈએ સૌને ગાળો બોલવાની ના પાડતા ત્રણ મહિલા સહિત ચારેય પાડોશી યુવક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને રાત્રે આવશું તેમ કહીને ચાલ્યા ગયા બાદ રાત્રીના બે કાર અને મોપેડમાં આવેલ અન્ય ચાર ઈસમો દ્વારા યુવક અને તેના પરિવાર ઉપર તલવાર, છરી, ધોકા સહિત હુમલો કરતા યુવક સહિત પરિવારના ચાર સભ્યોને ઘાતક હથિયારથી ઇજાઓ પહોંચાડતા, તમામને વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા, જ્યાંથી ભોગ બનનાર યુવકે ત્રણ મહિલા સહિત સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા આરીફભાઈ દિલાવરશાભાઈ શામદાર ઉવ.૨૪ એ વાંકાનેર ટુક પોલીસ મથકમાં આરોપી માહિરભાઈ, નસીમબેન, કરીશ્માબેન, સુનેહરાબેન, અયુબભાઈ ગામેતી તથા અજાણ્યા બે ઈસમો રહે. તમામ ગોંડલ ધાર તા. ગોંડલ જી. રાજકોટ વાળા એમ કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૧/૦૩ના રોજ ફરીયાદીના મોટાભાઇના ધરમા રહેતા વસીમશા અકબરશા સાથે આરોપીઓ ગાળા ગાળી કરતા હોય ત્યારે ફરિયાદીએ તેઓને ગાળો બોલવાની ના પાડતા આરોપી માહિરભાઈ, નસીમબેન, કરીશ્માબેન, સુનેહરાબેન એમ ચારેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા, જે બાદ આ વાતનો ખાર રાખી રાત્રિના આશરે એક દોઢ વાગ્યાના અરસામાં આરોપી માહિરભાઈ તથા આરોપી અયુબ ગામેતી તેમજ બે અજાણ્યા ઈસમો ફરિયાદીના ઘરે આખી આરોપીઓએ ફરિયાદીના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા તથા મહમદશા ક્યાં છે? તેમ પુછતા ફરિયાદીએ કહ્યું કે મને કાંઈ ખબર નથી તેમ કહેતા આરોપી અયુબ ગામેતીએ તલવાર વડે એક ઘા માથામાં મારી તથા આરોપી માહિર એ છરી વડે એક ઘા ડાબા હાથમાં અને સાથળમાં મારી ઇજાઓ પહોંચાડી હોય ત્યાર બાદ સાથેના અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીના બહેન અને બનેવીને ધોકા તથા ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે ફરીયાદી ભાગીને મસ્જીદ તરફ ભાગી જતા આરોપીઓ તેની પાછળ દોડીને ફરિયાદીને પકડીને વશીમશા તથા મહમદશા કયા છે તે કહી દે નહીતર જાનથી મારી નાખશુ તેમ ધમકી આપતા હોય તે દરમિયાન ફરિયાદીના કાકા અને કાકી આવી જતા તમામ આરોપીઓ થાર ગાડી, ઇકો ગાડી તથા સ્કુટર જેવા મોટર સાયકલમા જતા હોય ત્યારે ફરીયાદીના કાકા કાકી સામે આવતા અજાણયા આરોપીએ ફરીયાદીના કાકીને લાકડાના ધોકાનો એક ધા મારી મુંઢ ઇજા કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યા હોય. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા તજવીજ હાથ ધરી છે.