સુરત રેન્જ આઈજીના બંગલે ફરજ બજાવતા પોલીસ કર્મીની અચાનક તબીયત બગડતા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ પોલીસ કર્મીને પોતાની કારમાં બેસાડી નવી સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના સ્ટાફે પ્રાથમિક સારવાર આપી પોલીસ કર્મીની તબીયત સુધારા પર લાવી વધુ સારવાર માટે તેમને મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બારડોલીના 40 વર્ષિય સંતોષ જાદવ સુરત જિલ્લાના પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. જે પોલીસ કર્મી હાલ અઠવાલાઇન્સ ખાતે સુરત રેન્જ આઇજી પ્રેમવીરસિંહના બંગલે ઓડલી તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગઈ કાલે રાત્રે ચાલુ ફરજ દરમિયાન પોલીસ કર્મી ની અચાનક તબિયત બગડી જતાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેથી રેન્જ આઇજી પ્રેમવિરસિંહ સમયનો વેડફાટ કર્યા વગર સમય સૂચકતા દાખવી પોતાની કારમાં પોલીસ કર્મીને બેસાડી નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પોલીસ કર્મી નું બ્લડ પેશર ધરી જતાં તબિયત વધુ ખરાબ થઈ હતી. મેડિસન વિભાગના તબીબો અને સ્ટાફે પ્રાથમિક સારવાર આપી સુધારા પર લાવી દીધા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે સંતોષ જાદવને એમ્બ્યુલન્સ મારફતે મહાવીર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પણ રેન્જ આઇજી પ્રેમવીરસિંહ સાથે રહયા હતા. આમ, સાડા ત્રણ કલાક જેટલો સમય રેન્જ આઇજી પોતાના કર્મી સાથે રહયા હતા. ત્યાર બાદ પોલીસ કર્મીના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા રેન્જ આઇજી ત્યાંથી રવાના થયા હતા. આમ, ઇમરજન્સીના કેસમાં રેન્જ આઇજીએ તાત્કાલિક સમય સૂચકતા દાખવી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાની કારમાં કર્મીને બેસાડી સારવાર કરાવી પોતાના કર્મીની જીવ બચાવ્યો હતો.