માણીયા મીયાણા ના ખાખરેચી ગામે વર્ષ 2016 માં પરિણીતાએ કેરોસીન છાંટી શરીરે આગ લગાડી આત્મહત્યા કરી હતી જે બાદ મૃતક પરિણીતાના માતા દ્વારા પતિ અને સાસુ સસરા વિરૂદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે કેસનો આજે ચુકાદો આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, માણીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2016 માં ફરિયાદી સવિતાબેન વિરજીભાઈ કાલરીયાએ ફરીયાદ લખાવી હતી કે તેમની દીકરી પુષ્પાને તેમના પતિ ચારિત્ર ઉપર શંકા કુશંકા કરી માનસિક ત્રાસ આપતા હતા. તેમજ તેમના સાસુ સસરા મેણા ટોણા માળી ત્રાસ આપતા હતા જેથી કંટાળીને તેમની દીકરીએ તા.૧૩/૦૨/૨૦૧૬ ના રોજ વહેલી સવારે કેરોસીન નાખી સળગી જઈ મોત વાહલું કર્યું હતું. જેના સમાચાર આઠ વાગ્યા આસપાસ ફરિયાદીને મળતાં તેઓએ ખાખરેચી જતાં તમારી દીકરી સળગી જતા માળીયા દવાખાને લઈ ગયા છે તેમ જાણવા મળતા ફરિયાદી દવાખાને પહોંચ્યા ત્યારે પુષ્પાબેનની લાશ પીએમ રૂમ ખાતે પડી હતી.ત્યારે દીકરીને ત્રાસ અપાઈ પતિ અને સાસુ સસરાએ મારી નાખ્યાંની શકાં જતાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ મોરબી ફાસ્ટ ટ્રેક સ્પેશયલ કોર્ટમાં ચાલી જતાં આજરોજ આરોપી જયેશભાઈ ચંદુભાઈ પારજીયા, ઉંમર વર્ષ ૩૦ વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬ ના શિક્ષાપાત્ર ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૨૩૫(૨) અન્વયે ૫ (પાંચ) વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દશ હજાર પુરા) નો દંડ ભરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૩ (ત્રણ) માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ – ૪૯૮(ક) ના શિક્ષાપાત્ર ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૨૩૫(૨) અન્વયે ૩ (ત્રણ) વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દશ હજાર પુરા) નો દંડ ભરવાનો હુકમ ફરમાવવામાં આવે છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૩ (ત્રણ) માસની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ૩૨૩ના શિક્ષાપાત્ર ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૨૩૫(૨) અન્વયે ૧ (એક) વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧,૦૦૦/- (અંકે રૂપીયા એક હજાર પુરા) નો દંડ ભરવાનો હુકમ ફરમાવવામાં આવે છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ ૧ (એક) માસની સખત કેદની સજાનો હુકમ કરાયો છે. જ્યારે આરોપી ચંદુભાઈ લાલજીભાઈ પારજીયા અને લલીતાબેન ચંદુભાઈ પારજીયાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૩૨૩, ૪૯૮(ક) ની સાથે વાંચતા કલમ-૧૧૪ ના શિક્ષાપાત્ર ગુન્હામાં સી.આર.પી.સી. કલમ ૨૩૫(૧) અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામા આવ્યો છે. તેમજ હાલના કામે જો અપીલ થાય તો એપેલેટ ઓથોરીટી સમક્ષ હાજર રહેવા માટે પ્રત્યેક આરોપીએ રૂા. ૧૦,૦૦૦/- (અંકે રૂપીયા દશ હજાર પુરા) ના સ્થાનિક તેમજ સધ્ધર જામીન અને તેટલી જ રકમના જાતમુચરકા ફોજદારી કાર્યરીતી અધિનિયમ ની કલમ ૪૩૭(એ) મુજબનાં રજુ કરવા હુકમ કરવામાં આવ્યો છે.