કોર્ટના આદેશને અવગણીને હળવદ વિસ્તારમાં પ્રવેશ કરનાર સામે કાર્યવાહી
હળવદ પોલીસ સ્ટેશનની હદમાં નામદાર મોરબી સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવેલ જામીન શરતનો ભંગ કરનાર આરોપી પંકજભાઇ ગોઠીની અટક કરી કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પર અગાઉ બંદૂક દેખાડી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધાયેલ હતો, જેમાં કોર્ટે તેને હળવદ તાલુકાની હદમાં પ્રવેશ ન કરવા શરતી જામીન આપ્યા હતા.
હળવદ પોલીસે આરોપી પંકજભાઇ ચમનભાઇ ગોઠી ઉવ.૨૮ મૂળ રહે. હળવદ કણબીપરા હાલ ઉમા સોસાયટી-૨ સરા રોડ-હળવદ વાળાની હળવદ તાલુકા હદમાં પોતાની વાડી પાસેથી શરતી જામીનના ભંગ સબબ અટકાયત કરવામાં આવી છે, જેમાં ગત તા.૨૫ ફેબ્રુઆરીના રોજ હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રૌઢને અને તેના મામાને બંદૂક દેખાડી બેફામ ગાળો આપી તેના મામા અને તેમના બંને દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બદલ હળવદ પોલીસે આરોપી પંકજ ગોઠી અને આરોપી મેહુલભાઈ ઉર્ફે મેરુ એમ બે શખ્સોની અટક કરી નામદાર કોર્ટ હવાલે કર્યા હતા, ત્યારે આરોપી પંકજ ગોઠીને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા તેને શરતી જામીન મળ્યા હતા, જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે “હાલના ગુનાની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી હળવદ તાલુકાની હદમાં પ્રવેશ કરવો નહીં”. જે આરોપી જાણવા છતાં આ શરતનો ભંગ કરી હળવદ શહેર(તાલુકા) હદ વિસ્તારમા મહાદેવનગરથી રણજીતગઢ જતા રસ્તે આવેલ પોતાની વાડી પાસે જાહેરમા મળી આવતા પોલોસે તેની અટક કરી તેની વિરુદ્ધ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.