અમદાવાદ શહેર ઝોન ૬ ડીસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાણીલીમડા વિસ્તારમાં કોલ સેન્ટર બાબતે રેઇડ કરવામાં આવી હતી. જેમાં બાતમી આપનાર પ્રાઇવેટ સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી. ત્યારે આ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટે એવી કળા કરી કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ કે જ્યાં રેઇડ કરવામાં આવી છે. ત્યાં કોલ સેન્ટર ચાલતું હતું કે નહિ ? કારણ કે સાયબર એક્સપર્ટનું કહેવું હતું કે કોલ સેન્ટરમાં કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ સમગ્ર બનાવમાં પરદો ત્યારે ખુલ્યો જ્યારે રેઇડ કરવામાં આવેલ વ્યક્તિને પોલીસને એક અરજી આપી કે પોલીસ દ્વારા જ્યારે રેઇડ કરવામાં આવી ત્યારે જ પોતાના વોલેટમાંથી અન્ય એક વોલેટમાં 48,300 USD એટલે કે આશરે રૂ. 41,00,000/- બીજા કોઈ વોલેટમાં ટ્રાન્સફર થયા છે. તેથી પોલીસે એફ.એસ.એલની મદદ મેળવતા પ્રાઈવેટ સાયબર એક્સપર્ટના મોબાઈલમાં અને તેમાંથી બીજા વૉલેટમાં અને ત્યાંથી અન્ય એક ત્રીજા વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર થયેલાની વિગતો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેથી પોલીસે તેની અટકાયત કરી ગુન્હો દાખલ કરી નામદાર કોર્ટમાં 14 દિવસની પોલીસ રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કરવામાં આવ્યો છે….
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.આર. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા, અમદાવાદના રહેણાંક મકાન ખાતે બાતમીને આધારે ગેર કાયદેસર કોલ સેન્ટર બાબતે રેઇડ કરાઇ હતી. જે રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી ૩૨ નંગ મોબાઇલ ફોન, ૦૧ નંગ લેપટોપ તેમજ રોકડ રકમ સહિતની કિંમતનો મુદામાલ કબ્જે કરાયો હતો. જે કોલ સેન્ટર ચાલતું હતું કે કેમ તેમજ મોબાઇલ ફોન અને લેપટોપમાં વાંધાજનક શું શું વિગતો છે..? એની ચકાસણી કરવા માટે બાતમી આપનાર અને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને એલસીબી કચેરી ખાતે બોલાવીને તમામ મોબાઈલ ફોન અને લેપટોપની ચકાસણી કરવા માટે આપી હતી. જે મોબાઇલ ફોનની વારાફરતી ચકાસણી કરી, પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા પકડેલ મુદામાલમાં કોલ સેન્ટરને લગતી કોઈ વિગત નહીં હોવાનું જણાવ્યું હતું. તેથી મુદામાલ એફએસએલ ખાતે મોકલાવો જરૂરી હોય, દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન દાણીલીમડા ખાતે રહેતા મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા, અમદાવાદ કે જેની પાસેથી ગેર કાયદેસર કોલ સેન્ટરનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમને નવો મોબાઈલ લઈને પોતાનું કાર્ડ અને એકાઉન્ટ એક્ટિવ કરતા, તેને જાણવા મળ્યું કે, પોતાના વૉલેટ માંથી 48,300 USD એટલે કે આશરે રૂ. 41,00,000/- બીજા કોઈ વોલેટમાં ટ્રાન્સફર થયા છે અને આ માતબર રકમ જે દિવસે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી ત્યારે જ ટ્રાન્સફર થઈ છે. જે અંગે તેઓએ પોલીસ સમક્ષ અરજી આપીને રજૂઆત કરાઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી, સેક્ટર 02 જયપાલ સિંહ રાઠોડ તેમજ ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા આ બાબતની ગંભીરતા લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા આદેશ કરવામાં આવ્યા હતા. ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા જાતે સુપરવિઝન હાથ ધરી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા, બોલાવવા આવેલ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ શંકાના ઘેરામાં આવ્યો હતો. જેથી તેની પાસેથી પણ બે મોબાઇલ કબ્જે કરી તાત્કાલિક એફએસએલ તથા સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલના મોબાઈલમાંથી ચોંકાવનારી વિગતો મળી હતી. જેમાં પોલીસ ટીમ દ્વારા જેને ત્યાં રેઇડ કરવામાં આવી હતી તેના વોલેટમાંથી પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલના મોબાઈલમાં અને તેમાંથી બીજા વૉલેટમાં અને ત્યાંથી એક ત્રીજા એક વોલેટમાં આ 48, 300 USD આશરે કિંમત રૂ. 41,00,000/- ટ્રાન્સફર થયેલાની વિગતો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આમ, પોલીસ દ્વારા જેની મદદ મેળવવામાં આવી હતી, તે પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા જ જેને ત્યાં રેઇડ કરી હતી, એના વોલેટમાંથી મોબાઈલ ચેક કરવાના બહાને પોલીસ ટીમની જાણ બહાર, અંધારામાં રાખી, 48,300 USDની ચોરી કરી લેવામાં આવી હોવાના પુરાવો મળ્યા હતા. જે હકીકત બહાર આવતા જાણવા જોગની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ શિવ આધાર દ્વારા સરકાર તરફથી ફરિયાદી બની, આરોપી દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ ચોરી, છેતરપિંડી, વિશ્વાસઘાત તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો હતો. જેની તપાસ મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસને જેણે બાતમી આપી અને પોલીસની મદદ માટે આવેલ પ્રાઇવેટ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દેવેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ માતબર રકમની ઓન લાઇન ચોરી, છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતે ગુન્હો નોંધાતા, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઈ પી.આર. પરમાર, સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, છત્રસિંહ, જયરાજભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ, દીપકભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી બાબતે બાતમીદારો મારફતે માહિતી મેળવી, વોચ ગોઠવી, તેના ઘર પાસેથી આરોપી દેવેન્દ્ર કનુભાઈ પટેલ ઝુંડાલ સર્કલ પાસે, અમદાવાદ વાળાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી દેવેન્દ્ર કનુભાઈ પટેલની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાતા પહેલા તો આરોપી દ્વારા પોલીસને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. પરંતુ, પોલીસ ટીમ દ્વારા એફએસએલ તથા સાયબર ક્રાઇમ એક્સપર્ટની મદદથી મેળવેલ પુરાવાઓ આરોપીની સામે મૂકતા, આરોપી અવાચક બની ગયો હતો અને ભાંગી પડ્યો હતો તેમજ આરોપીએ ગુન્હાની કબૂલાત કરી લીધી હતી. તેમાં તેણે જણાવ્યું હતું કે પોતે MCA સુધી અભ્યાસ કર્યો છે અને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ તરીકે મદદમાં જાય છે. જેથી તમામ કોલ સેન્ટર ચલાવતા લોકોની માહિતી મળતી રહે છે. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવતો મોહમદ ઐયાઝ અલાઉદ્દીન શેખ રહે. દાણીલીમડા ખાતે પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવતો હોવાની માહિતી પોતાને મળેલ તેમજ તેના વોલેટમાં લાખો રૂપિયા હોવાની માહિતી પણ પોતાને અને પોતાના મિત્ર પકડવાનો બાકી છે. જે ભૂતકાળમાં કોલ સેન્ટર ચલાવતા પકડાયેલ હોય તેનો કેસ પણ હાલમાં ચાલુ છે. જે અનુસંધાને પોતે પોતાના મિત્ર સાથે સેટેલાઇટ વિસ્તારમાં મિટિંગ કરી, પોલીસને બાતમી આપી, રેઇડ દરમિયાન મોબાઈલ ફોન ચેક કરવાના બહાને કોલ સેન્ટર ચલાવતા મોહમદ ઐયાઝના વોલેટમાં જે રૂપિયા હોય તે ઉપાડી લેવા કાવતરું રચ્યું હતું. જે કાવતરા મુજબ રેઇડ દરમિયાન મોહમદ ઐયાઝ શેખના મોબાઈલના વોલેટમાંથી 48300 USD જેની કિંમત આશરે રૂ. 41,00,000/- થાય છે, તે એન્ય વોલેટમાં ટ્રાન્સફર કરી, આંગડિયા મારફતે ઉપાડી લીધા અને તે રૂપિયા પૈકી આશરે 30 લાખ જેટલા શેર બજારમાં રોકાણ કર્યા, આઠેક લાખ રૂપિયા મિત્રોને ઉછીના આપ્યા તેમજ બે લાખ જેવા વાપરી નાખ્યાની પણ કબૂલાત આપી હતી. જે બાબતે પોલીસ દ્વારા કાવતરાની કલમનો ઉમેરો કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. જે પકડાયેલ આરોપી દેવેન્દ્ર કનુભાઈ પટેલ દ્વારા કોની મદદથી આ રૂપિયા ટ્રાન્સફર કરેલા છે. તેમજ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અન્ય કોઈ જગ્યાએ ગુન્હાઓ આચરેલા છે કે કોઈ ગુન્હામાં વોન્ટેડ છે..? વિગેરે મુદાઓ સબબ નામદાર કોર્ટમાં 14 દિવસની પોલીસ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા, નામદાર કોર્ટ દ્વારા આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કરવામાં આવ્યો છે. જેની વધુ તપાસ મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે..