રાજ્યમાં દ્વારકા, જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે,ત્યારે હવે મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં હિસ્ટ્રી શીટરની ૧૨ દુકાનો અને અન્ય લોકોના દબાણો સહિત કુલ ૪૪ દબાણ દૂર કરવામાં આવ્યા છે.
મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝર ફર્યું છે. એસપી રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહીથી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર ૧૨ દુકાનો તોડી પાડવામાં આવી છે. ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેના પગલે ઈસમ દ્વારા ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી ૧૨ જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. તેમજ માળીયા મીયાણા નગરપાલિકા ના ચીફ ઓફિસર સહિતની ટીમ હાજર હોય જેથી સરકારી જમીન પર કરાયેલ અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા કુલ મળી મોરબી જિલ્લા પોલીસ અને માળીયા મિયાણા નગરપાલિકા દ્વારા દ્વારા કુલ 44 દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
કામગીરીમાં ડીવાયએસપી એસ.એચ. સારડા,પીઆઈ આર.સી.ગોહિલ,પીઆઈ એન. એ.વસાવા,પીઆઈ પી.એન. લગધીરકા,પીએસઆઈ આર.પી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાંગર, પીએસઆઈ જે. સી.ગોહિલ,પીએસઆઈ ડી.કે.જાડેજા ,૬૦ થી વધુ પોલીસ, ચીફ ઓફિસર અને પાલિકા ટીમ,ફાયર ટીમ દ્વારા કરાઇ હતી.