વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્ય અરવિંદ રાણાએ નિયમ ૧૧૬ હેઠળ સુરત શહેરમાં રહેઠાણ અને અન્ય બાંધકામ કરનારા સામે RTIની આડમાં અરજી કરી નાણાં પડાવવાના સંખ્યાબંધ કિસ્સાઓ બન્યા છે. તેમાં કેવા પ્રકારના પગલાં લેવાયા એ અંગે મુદ્દો ઉઠાવતા તેના ઉત્તરમાં સંઘવીએ કહ્યું કે, રાઈટ ટુ ઈન્ફોર્મેશન જેવા મહત્ત્વપૂર્ણ કાયદાનો કેટલાક તત્ત્વો દ્વારા દુરુપયોગ કરીને નાના-મોટા ધંધાર્થીથી માંડીને બિલ્ડરો પાસેથી તોડ કરવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. જેની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે સખ્તાઇથી કાર્યવાહી કરી જેલભેગા કરવાનો નિર્ણય કર્યો છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વિધાનસભામાં RTI કરી કાયદાનો દૂર ઉપયોગ કરી ખંડણી માંગવાના વધતા બનાવોને લઇને વધુમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત દર મહિને એક વાર પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ રહી છે. તેમાં સુરત ખાતે RTI કાયદાનો દુરુપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. RTI કાયદાનો દુરુપયોગ કરનાર ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં RTIની આડ નાણાં પડાવવા અંગેના કુલ ૨૪ ગુના તેમજ ન્યૂઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ-દબાણ આપી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ ૧૭ ગુના એમ ૫૦ આરોપી સામે ૪૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ખંડણીખોર RTI એક્ટિવિસ્ટો અને નાના ચોપાનિયા છાપીને બ્લેકમેઇલ કરનારા તત્ત્વોને સ્પષ્ટ ચેતવણી આપતાં ગૃહ મંત્રીએ કહ્યું છે કે, ‘હવે સુધરી જાવ કે જેલમાં જાવ’. આ તબક્કે તેમણે સરકારી કચેરીઓમાં પડ્યા પાથર્યા રહીને તોડપાણી કરતા આવા તત્ત્વોની યાદી તૈયાર કરવા પોલીસ અને ACBને સૂચના આપી છે. અત્યાર સુધીમાં ૬૭ ગુના દાખલ કરાયા છે અને આગામી સમયમાં વધુ સખ્તાઇપૂર્ણ કાર્યવાહી કરવા પટેલ સરકાર મક્કમ છે.તેમ પણ જણાવ્યું હતું.