ટંકારા પોલીસ ટીમના વધુ એક દરોડામાં લજાઈ ગામથી ભરડીયા રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષની છત ઉપર સંતાડી રાખેલ વિદેશી દારૂની નાની-મોટી ૧૯૨ નંગ બોટલ કબ્જે લેવામાં આવી છે, દરોડા દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરી અસરકારક કામગીરી કરવા સૂચના કરી હોય, જે અનુસંધાને ટંકારા પોલીસ મથક પીઆઇ કે.એમ.છાસીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમ હોળી ધુળેટીના તહેવાર નિમિતે પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન એએસઆઈ ભાવેશભાઈ વરમોરા તથા કોન્સ. તેજાભાઈ ગરચરને સંયુક્તમાં ખાનગીરાહે ચોકક હકિકત મળેલ કે, ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા ઝાલા રહે.લજાઇ ગામ વાળાએ લજાઇથી ભરડીયા રોડ સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલ મા પાર્વતી હોટલ લખેલ તથા પાંચ દુકાન વાળા કોમ્પ્લેક્ષની છત ઉપર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે ઉલરોકટ સ્થળે રેઇડ કરતા, અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની નાની-મોટી વ્હીસ્કી/વોડકાની ૧૯૨ નંગ બોટલ કિ.રૂ.૭૮,૬૬૦/- નો મુદામાલ મળી આવ્યો હતો, જ્યારે રેઇડ દરમિયાન આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે.લજાઇ ગામ તા.ટંકારા હાજર મળી આવેલ ન હોય જેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી ટંકારા પોલીસે આરોપીને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.