મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃદ્ધની છરીના આડેધડ ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હોવાની ઘટનાએ સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચાવ્યો છે, જેમાં મોદી રાત્રીના બનેલ હત્યાના બનાવમાં ટ્રાન્સપોર્ટની ઓફિસની ગેલેરીમાં સુવા આવેલ ત્રણ શ્રમિકોને સુવાની ના પાડતા એકદમ ઉશ્કેરાયેલ ત્રણ પૈકી બે વ્યક્તિએ વૃદ્ધને પકડી રાખી જ્યારે અન્ય ઈસમ દ્વારા છરીના આડેધડ ઘા ઝીકી વૃદ્ધની નિર્મમ હત્યા નિપજાવી હતી, હાલ મૃતકના દીકરા દ્વારા હત્યારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હત્યાના બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આનંદનગર હનુમાનજીના મંદિર પાછળ રહેતા સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ ઉવ.૩૪ કે જેઓની જય અમરનાથ રોડવેઝ ભાડાની ટ્રાન્સપોર્ટ ઓફીસ ત્રાજપર ચોકડી નજીક ભગવતી ચેમ્બરમાં આવેલી છે, તેઓએ ઉપરોક્ત હત્યાના આરોપી મુસ્તાક ઉર્ફે કાળો ઓસમાણભાઈ મીયાણા રહે.ખીરઈ ગામ તા.માળીયા(મી), જાકિર બચુભાઇ સંધી રહે.મોરબી તથા ઇકબાલ હૈદર જેડા રહે.મોરબી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે હાઈકલ તા.૧૫/૦૩ના રોજ રાત્રીના ૧૧:૩૦ વાગ્યાની આસપાસ ફરીયાદીના પિતા જેઠીગીરી અમલગીરી ગોસાઈ ઉવ.૬૫ એ ઉપરોક્ત ત્રણેય આરોપીઓને ઓફીસની ગેલેરીમા સુવાની ના પાડતા, એકદમ ઉશ્કેરાયેલ ત્રણેય આરોપીઓને સારું નહી લાગતા જેનો ખાર રાખી, ત્રણેય આરોપીઓએ એકસંપ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા જેઠીગીરીને આરોપી જાકિર સંધી અને ઇકબાલ જેડાએ પકડી રાખી તે દરમિયાન આરોપી મુસ્તાક ઉર્ફે કાળો એ પોતાની પાસે રહેલ છરી વડે જેઠીગીરીના પેટના ભાગે આડેધડ છરી વડે ઘા મારી દેતા જેઠીગીરીની કરપીણ હત્યા નિપજાવી ત્રણેય હત્યારાઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા. હાલ, બી ડિવિઝન પોલીસે મૃતકના દીકરાની ફરિયાદને આધારે ત્રણેય હત્યારા આરોપીને શોધી તેની અટક કરવા કાર્યવાહી હાથ ધરી છે.