આરોપી બોલેરો ચાલક અકસ્માત સર્જી વાહન રેઢું મૂકીને નાસી ગયો.
હળવદ-માળીયા હાઇવે ઉપર અકસ્માતની ઘટનામાં બોલેરો સવાર યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં બોલેરો ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી આગળ જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલીમાં અથડાવતા બોલેરોમાં ક્લીનર સાઈડ બેઠેલા યુવકને માથામાં ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી બોલેરો ચાલક અકસ્માતના સ્થળે પોતાના હવાલાવાળું વાહન મૂકીને ભાગી ગયો હતો.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા મીનબા મંગળસિંહ પરમારે હળવદ પોલીસ મથકમાં આરોપી બોલેરો રજી.નં. જીજે-૩૬-ટી-૬૩૬૫ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૧૭/૦૩ના રોજ હળવદ-માળીયા હાઇવે રોડ બોલેરો ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી પ્રતાપગઢના પાટીયા પાસે આગળ જઈ રહેલ આઇસર ટ્રેકટર રજી.નં. જીજે-૩૬-એએલ-૯૨૦૧ની ટ્રોલીના પાછળના ભાગે બોલેરો અથડાવી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બોલેરોમાં ખાલી સાઈડ બેઠેલ ફરિયાદી મીનબા ના પતિ મંગળસિંહ અનોપસિંહ પરમાર ઉવ.૩૮ ને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે આરોપી બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો, હાલ હળવદ પોલીસે આરોપી બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.