રાજ્યભરમાં પોલીસ અસામાજીક તત્વો વિરૂદ્ધ કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી પોલીસ દ્વારા 70 જેટલા રીઢા ગુનેગારોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મહિલા સહિતના લિસ્ટેડ ક્રિમીનલને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેમજ હાલ આ લોકો શુ પ્રવૃત્તિ કરે છે ? પેરોલ ઉપર છે કે કેમ તે સહિતની વિગતો એકત્ર કરી તેઓને કાયદામાં રહેવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે.
રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરડાતા રાજ્ય પોલીસ વડાએ અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર કરી કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે અંર્તગત મોરબી જિલ્લા પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ ઝૂંબેશ શરૂ કરાઇ છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા 165 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 70 જેટલા રીઢા ગુનેગારોના નામ સમાવવામાં આવ્યા છે. મોરબીમાં 70 જેટલા મહિલા સહિતના લિસ્ટેડ ક્રિમીનલોને પોલીસ મથકે બોલાવી રાઉન્ડ અપ કરાયા છે. જેમાં બુટલેગરો, મારામારીની ટેવ ધરાવતા સહિતના આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે. આ તમામ લોકોને મોરબી સિટી ડિવિઝન અને મોરબી સિટી બી ડિવિઝન ખાતે બોલાવવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા તમામ લોકો હાલ શુ પ્રવૃત્તિ કરે છે, પેરોલ ઉપર છૂટેલા છે કે કેમ તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી છે. વધુમાં આ તમામ લોકોને ગુના બંધ કરો અથવા ડીમોલેશન કાર્યવાહીની તૈયારી રાખજો જેવી સ્પષ્ટ ચેતવણી આપી દેવામાં આવી છે.