ટંકારા નગર પાલિકા દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને પાથરણા વાળાને ફક્ત બે દિવસનો સમય આપી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે જો તેમ નહિ કરવામાં આવે તો ડીમોલેશન કરવામાં આવશે તેવી ગર્ભિત ચીમકી નગર પાલિકા દ્વારા આપવામાં આવતા આજરોજ નાના વેપારીઓ અને પાથરણા વાળાઓએ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી ડીમોલેશન અટકાવવામાં આવે તેવી માંગ કરાઇ છે…
ટંકારા નગરપાલિકા દ્વારા નાના વેપારીઓ, ફેરીયાઓ અને પાથરણા પાથરીને ધંધો કરી પોતાનું પેટીયુ રળતા પરિવારને ફક્ત બે દિવસની મુદત આપી આધાર-પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો ડીમોલેશન કરવામાં આવશે તેવી ગર્ભિત ચીમકી આપવામાં આવી છે. જેને લઇને રોજે રોજનું ગુજરાન ચલાવતા નાના માણસોમાં ભય અને સાથે સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ નાના વેપારીઓ, ફેરિયાઓ અને પાથરણા વાળાઓએ ટંકારા નગર પાલિકાના ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે આ લોકશાહી છે સરમુખત્યારશાહી નહિ. ટંકારા નગરપાલિકા જાહેર થઇ તેને ગણ્યા ગાંઠયા દિવસો થયા છે. ત્યારે દરરોજનું કમાઈને ખાનારા લોકોને તંત્ર હેરાન ન કરે અને આ નાના, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નગરપાલિકા સરકારના નિયમ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે ત્યાર પછી ડીમોલેશન કરે જેમાં અમે પણ પ્રશાસનને સહકાર આપીશું તેમ પણ નાના વેપારીઓએ જણાવ્યું છે. તેમજ પક્ષના ઇશારે કોઈ નિર્ણય લેતા પહેલા નાના વેપારીઓનું ધ્યાન રાખવા રજૂઆત કરાઈ છે. તેમજ જો નાના વેપારીઓ, ફેરિયાઓ અને પાથરણા વાળાઓને ન્યાય નહિ મળે તો ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે..