વિદેશી દારૂ આપનાર અન્ય બુટલેગર અને અજાણ્યા ટ્રક-ચાલકના નામ ખુલ્યા.
મોરબી સહિત રાજ્યમાં હાલ અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ ચાલી રહેલ કડક કાર્યવાહીના ઝુંબેશ દરમિયાન એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરમાં કુંભાર શેરીમાં લિસ્ટેડ બુટલેગરના રહેણાંકમાં રેઇડ કરતા વિદેશી દારૂની ૨૨ બોટલ મળી આવી હતી, આ સાથે લિસ્ટેડ બુટલેગરની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, જ્યારે સપ્લાયર તરીકે મોરબીના જ એક અન્ય વિદેશી દારૂના ધંધાર્થી તેમજ અજાણ્યા ટ્રક ચાલકના નામની કબુલાત આપી હતી, હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી કે કુંભાર શેરીમાં રહેતો લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી મળતા તુરંત એલસીબી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૨ બોટલ કિ.રૂ.૨૭,૪૨૩/- મળી આવી હતી, જેથી આરોપી હિતેશ ઉર્ફે મોઢીયાની ધરપકડ કરવામાં આવી હતી.
બીજીબાજુ પકડાયેલ આરોપીને વિદેધી દારૂ અંગે સઘન પૂછતાછ કરતા, આ વિદેશી દારૂનો જથ્થો મોરબી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા અંકિત અરુણભાઈ રાઠોડ અને અન્ય એક અજાણ્યા ટ્રક ચાલક પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી, હાલ એલસીબી પોલીસ ટીમે રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવેલ બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.