મોરબીમાં કુટુંબી ભાઈ સાથે અગાઉ થયેલ ઝઘડાનું ખાર રાખી શહેરના પંચાસર રોડ ન્યુ જનક સોસાયટીના નાકે મોટર સાયકલમાં આવેલ શખ્સો દ્વારા યુવકનું અપહરણ કરી તેને લોખંડના પાઇપ, ધોકા અને છરી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આ બનાવમાં ભોગ બનનાર યુવક દ્વારા પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના પંચાસર રોડ ન્યુ જનક સોસાયટી શેરી નં.૩ મકાન નં.૬-૭માં રહેતા ઈરફાન મોહમદભાઈ પરમાર ઉવ.૨૨ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સીકંદર રહે.મોરબી વીસીપરા, લાલો રહે.પંચાસર રોડ, વિશાલ કોળી રહે.કાલિકા પ્લોટ, રેનીશ પાયક રહે.લાતી પ્લોટ તથા અકરમ શાહમદાર રહે.મકરાણીવાસ એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ઇરફાનભાઈના મોટા બાપુના દિકરા શાહરૂખને આરોપી લાલાના ભાઈ બબુડા સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી, ગઈ તા.૨૪/૦૩ના રોજ જ્યારે ફરિયાદી પોતાની શેરીના ખુણા પાસે બેસેલ હોય ત્યારે આરોપી સીકંદર, લાલો, વિશાલ તથા રેનીશ એમ ચાર આરોપીઓ અલગ અલગ મોટર સાયકલ લઇને ત્યાં આવ્યા હતા, અને ફરિયાદી ઇરફાનભાઈને તેના કુટુંબી ભાઈ શાહરૂખ બાબતે પુછતા અને કહેલ કે તને જાણ છે તેમ કહી ચારેય આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી તેને બળજબરીપૂર્વક તેમના મોટર સાયકલમાં બેસાડી દીધો હતો, અને આરોપી લાલાની દુકાન પાસે લઈ ગયા હતા, જ્યાં આરોપી વિશાલે ફરિયાદીને માથના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરી હતી, જે બાદ આરોપી લાલાએ છરીનો એક ઘા મારતા હાથમાં ઇજા થયેલ તેમજ અન્ય આરોપીઓ અકરમ, રેનીશ તથા સીકંદરે લાકડાના ધોકા વડે શરીરે, પગમાં આડેધડ માર મારી માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે દેકારો થતા આજુબાજુ ભેગા થયેલા લોકોએ ફરિયાદીને વધુ મારથી છોડાવેલ હતો, જે મુજબની ફરિયાદના આધારે હાલ એ ડિવિઝન પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.