સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે વાહન ચાલકો વાહનો ધ્યાનથી ના ચલાવે તો ઘણીવાર અકસ્માતો થતા હોય છે. ત્યારે ગત રાત્રિના મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઈવે પર એસિડ ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો. જો કે, મનપાની સરાહનીય કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઈવે પર ગત રાત્રિના હાઇડ્રો ક્લોરિન એસિડ ભરેલ ટ્રકે પલટી મારી હતી. જેના કારણે ટેન્કરમાં ભરેલ એસિડ રસ્તા પર ફરી વળ્યું હતું અને નજીકમાંઆવેલ સોસાયટીમાં એસિડ ઘુસી જતા આજુ-બાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી મનપા ડેપ્યુટી કમિશનર, ફાયર ટીમ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મોરબી મનપા સહિતની ટીમની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી હતી. તંત્ર દ્વારા સમયસર કામગીરી શરૂ કરી તાબડતોબ પાણીનો મારો ચલાવીને એસિડની અસર ઓછી કરી નાંખતા મોટી રાહત થવા પામી હતી.
તેમજ મોડી રાત્રે ટ્રકને રસ્તા પરથી ખસેડી માટી નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે મનપાની કામગીરી ખરેખર બિરદાવવા લાયક હતી જયારે બીજી તરફ હાઈવે ઓથોરિટીની બેદરકારી પણ સામે આવી છે. આકસ્મિક સમયે ઉપયોગમાં લેવામાં હાઈવે ઓથોરિટીનું પાણીનું ટેન્કર લાવવામાં આવ્યું પરંતુ એસિડની વચ્ચે ટેન્કર બંધ પડી ગયું અને ફાયરના જવાનો સહિતના લોકોએ એસિડ વચ્ચે ટેન્કરને ધક્કો મારવાની ફરજ પડી હતી. જેથી કરોડો રૂપિયાના ટેક્ષ ઉઘરાવતી હાઈવે ઓથોરિટીની કામગીરી, મેન્ટેનન્સ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.