વાંકાનેર ટાઉનમાં આવેલ પોસ્ટ ઓફીસ ખાતેથી એલઆઇસી તથા પોસ્ટ એજન્ટ પ્રૌઢના રોકડ અને જરૂરી દસ્તાવેજ ભરેલ થેલાની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા અંગે પ્રૌઢે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેરના પ્રતાપપરા શેરી નં.૧માં રહેતા જયેશભાઇ મુગંઠલાલ મહેતા ઉવ.૫૩ નામના પ્રૌઢ કે જેઓ એલઆઇસી તથા પોસ્ટ શાખામાં એજન્ટ હોય ત્યારે ગઈ તા.૨૭/૦૩ના રોજ પોતાના ગ્રાહકોના પ્રિમીયમની રકમ ૩૦,૯૦૦/- તથા સાહેદોની પાસબુક, ATM કાર્ડ,ચેકબુક તથા F.D. ના કાગળો સાથેનો ભરેલ બેગ લઈને વાંકાનેર ટાઉનમાં આવેલ માર્કેટ ચોક પાસે પોસ્ટ ઓફીસ ખાતે ગયા હતા ત્યારે પોસ્ટ ઓફિસમાં રાયટિંગ-ટેબલ ઉપર પોતાનો થેલો રાખી જયેશભાઇ પોતાના કામમાં વ્યસ્ત હોય તે દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીની નજર ચુકવી ઉપરોકત બેગની ઉઠાંતરી કરી લઈ ગયો હતો, ત્યારે સમગ્ર ચોરીના બનાવ અંગે ભોગ બનનાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.