મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર કાળજું કંપાવતી અકસ્માતની ઘટનામાં ટ્રકની ઠોકરે મોટર સાયકલ સવાર બે આશાસ્પદ યુવકોના મૃત્યુ નિપજ્યા હતા, જેમાં ટ્રકનો ઓવરટેક કરતા મોટર સાયકલને ટ્રકે સાઈડમાંથી ટક્કર મારતા મોટર સાયકલ સવાર બન્ને મિત્રો નીચે પટકાયા હતા, ત્યારે મોટર સાયકલ ચાલક યુવકના માથા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલનો જોટ્ટો ફરી વળતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું જ્યારે બીજા યુવકના પગ ઉપર ટ્રકના ટાયરનો જોટ્ટો પસાર થઇ જતા તેનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં ચાલુ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, હાલ બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં રહેતા સાગરભાઈ મોમજીભાઈ પાટડીયા ઉવ.૨૦ એ બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૩૯-ટી-૬૯૩૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૧/૦૪,ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં જુના ઘુંટુ રોડ કનૈયા પાન પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને જતો હોય ત્યારે ફરિયાદીના ભાઈ સાવન તથા તેના મિત્ર યશને તેના મોટર સાયકલ રજી.નં. જીજે-૩૩-ઈ/૯૪૩૮ લઈને ઉપરોક્ત ટ્રકને ઓવરટેક કરવા જતી વખતે ટ્રક ચાલકે તેના મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ત્યાંજ પડી ગયેલ અને ટાયરનો જોટો સાવનભાઈના માથાના ભાગે ફેરવી જતા માથા પર તથા ચહેરા પર ગંભીર ઇજા પહોચતા સાવનનું સ્થળ પર મોત નીપજ્યું હતું. બીજીબાજુ સાવનનો મિત્ર યશને ડાબા પગમાં ટાયરનો જોટો ફરી જતા પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા તથા શરીરે છોલાયેલી ઈજા થતા યશને પ્રાથમીક સારવાર મોરબી સરકારી હોસ્પીટલ બાદ ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં દાખલ કરતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન યશનું પણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.