સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ સાથે ૧૫ હજાર સ્પર્ધકોમાંથી શ્રેષ્ઠ ૩૩માં સ્થાન મેળવ્યું.
વાંકાનેર:ગુજરાત સરકાર અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા’માં વાંકાનેરની વિધાર્થીની નિર્જરા રાવલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૧૫ હજાર સ્પર્ધકોમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ ૩૩ માં સ્થાન મેળવતાં તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવોર્ડ અને રૂ. ૧૧ હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને સંવર્ધન આપતા ‘ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યભરની ૧૧ યુનિવર્સિટીઓમાંથી ૧૫ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કે સ્પર્ધાત્મક પ્રક્રિયા દરમિયાન ૩૩ શ્રેષ્ઠ ફાઈનલિસ્ટ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. અંતિમ તબક્કાની સ્પર્ધા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાઈ હતી. ત્યારે વાંકાનેર નિવાસી અને વિરાણી સાયન્સ કોલેજની વિદ્યાર્થીની નિર્જરા જતીનભાઇ રાવલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ વકતવ્ય રજૂ કર્યું હતું. પરિણામે, નિર્જરાને ‘સાંસ્કૃતિક સ્પીકર ઓફ ગુજરાત’ની ટ્રોફી તેમજ રૂ.૧૧,૦૦૦/-નું રોકડ પુરસ્કાર એનાયત કરાયું હતું.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિજેતા સ્પર્ધકોને અનોખી તક મળી હતી, જેમાં ૩૩ શ્રેષ્ઠ સ્પર્ધકોને વિધાનસભાના ચાલુ સત્રની મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને તેમની સાથે સંવાદ અને વિશેષ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.