૬ ઢોરના માલિકો પાસેથી રૂ.૪૮ હજારના દંડની વસૂલાત.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૧૭ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. પકડાયેલા ઢોર ગૌશાળાઓમાં મુકાયા અને આ સાથે ૬ ઢોરના માલિકોએ રૂ.૪૮ હજાર જેટલો દંડ ચૂકવી પોતાનાં ઢોરને છોડાવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને પહોંચી વળવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ૧ માર્ચ થી ૩૨ માર્ચ દરમિયાન, પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચલાવી ૩૧૭ રખડતા ઢોર પકડ્યા હતા. આ અભિયાન અંતર્ગત રવાપર, વાઘપરા, ગાંધી ચોક, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, લાલબાગ, ઉમા ટાઉનશીપ રોડ, માધાપર, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, અને જેલ ચોક સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા. આ સાથે પકડાયેલા ઢોરોને મહાનગરપાલિકાએ આજુબાજુની ગૌશાળાઓમાં ખસેડ્યા હતા. પકડેલ પશુ પૈકી ૬ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૪૮૦૦૦/-વસુલ કરી પશુ છોડવામાં આવેલ હતા.