મોરબીની ગૌરક્ષક ટીમ દ્વારા વધુ ત્રણ અબોલ પશુને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કચ્છ તરફથી મોરબી બોલેરો ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા ત્રણ પાડાને મોરબી નજીક રવિરાજ ચોકડી ખાતે બોલેરો ગાડીને રોકી તેમાંથી ત્રણેય અબોલ જીવને બચાવી લઈને મોરબી પાંજરાપોળ ખાતે મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે આરોપીઓને તાલુકા પોલીસ મેથકમાં સોંપતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ગૌરક્ષક દળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, ગુજરાત રાજ્યને બાતમી મળી હતી કે કચ્છ તરફથી એક બોલેરો પીકઅપ ગાડી રજી.નં. જીજે-૧૧-વીવી-૩૪૪૬માં ગૌવંશને હેરફેર કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે ગૌરક્ષક દળે મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત બેલેરો ગાડી ત્યાંથી પસાર થતા તેને અટકાવી તપાસ કરતા, અંદર ત્રણ ગૌવંશને(પાડા) ને ખૂબ જ ટુક દોરડા વડે બાંધી તેમજ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વગરની હાલતમાં મળી આવ્યા હતા.
ગૌ રાક્ષકો દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં ગૌવંશ કચ્છમાંથી ભરવામાં આવ્યા હતા અને તેમને જુનાગઢ લઈ જવામાં આવી રહ્યા હોવાની કબૂલાત આપતા બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સોંપી તેની વિરુદ્ધ ગૌ રક્ષક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગૌવંશને બચાવી મોરબી પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર સફળ કામગીરીમાં મોરબી, લીમડી, ચોટીલા અને રાજકોટના ગૌરક્ષક દળોની ટીમ દ્વારા સહભાગી થઈને મહત્વની ભૂમિકા ભજવી હતી.