માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક એક કિયા સેલટોસ કારમાંથી ૨૪૦ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે કચ્છના બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે કાર, મોબાઇલ તથા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૧૨.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પકડાયેલ આરોપીઓની વધુ પુછપરછમાં દારૂના સપ્લાયરનું નામ બહાર આવ્યું છે.
માળીયા(મી) પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે કચ્છ તરફથી આવી રહેલી કિયા સેલટોસ કાર રજી.નં.જીજે-૩૯-સીબી-૫૪૩૦ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કારની તલાસી લેતા, તેમા ઇંગ્લીશ દારૂ ‘ડેનિમ ૩૦ ઓરેંજ વોડકા’ની ૨૪૦ બોટલ કિંમત રૂપિયા ૨,૬૯,૨૨૦/- મળી આવી હતી, જેથી તુરંત કારમાં સવાર બે આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીટ રહે. જશોદાનગર, ભચાઉ, કચ્છ અને બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટ રહે. ચીરઈ, ભચાઉ, કચ્છ વાળાની અટક કરી હતી. આ સાથે પકડાયેલ બંને આરોપીઓની પૂછતાછમાં વિદેશી દારૂનો માલ આપનાર દેવા બાવાજી નામના શખ્સનું નામ ખુલ્યું હતું, જેથી તેને ફરાર દર્શાવવામાં આવી, માળીયા(મી) પોલીસે કિયા સેલટોસ કાર કિ.રૂ.૧૦ લાખ, વિદેશી દારૂનો જથ્થો તથા એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૧૨,૭૪,૨૨૦નો મુદ્દામાલ કબ્જે લઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.