દેશની આઝાદી માટે મૂળિયાં રોપવાનું કામ વર્ષ ૧૯૩૮માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશને કર્યું હતું. ત્યારે ૬૪ વર્ષ બાદ ફરી ગુજરાતમાં અમદાવાદ ખાતે ૦૮ અને ૦૯ એપ્રિલના રોજ કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થીત રહેશે.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધન્યધરા એવા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા. ૦૮/૦૪ અને ૦૯/૦૪ ના રોજ અમદાવાદ ખાતે યોજવામાં આવશે. જેને લઇને માહિતી આપતા મોરબી જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. અને સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ૨૦૨૫ છે ત્યારે તા. ૮ અને ૯ એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. વર્ષ૧૯૬૧ પછી એટલે કે ૬૪ વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ ૧૮૮૫માં મળ્યું હતું. વર્ષ ૧૯૩૮માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. તારીખ ૮ એપ્રિલે ૨૦૨૫ના રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ વાગ્યે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાશે. ગુજરાતમાં યોજાનાર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ (CWC) માં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, ઉપસ્થીત રહેશે. ૮૬માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.૮ એપ્રિલના રોજ સાંજે ૫ વાગ્યે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. તા. ૮ એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તા. ૯ એપ્રિલના રોજ ઐતિહાસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી ૩૦૦૦થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે. સરદાર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વ છે. ત્યારે ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. ત્યારે રાષ્ટ્રીય અધિવેશનની યજમાની એ ગુજરાત કોંગ્રેસ માટે ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે તેમ પણ જણાવ્યું હતું.