વાંકાનેરમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડતા બનાવમાં રાજકોટની બેંકના લોન રિકવરી અધિકારી ઉપર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો છે, જેમાં વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં કોર્ટના હુકમ પછી મિલ્કતની ફેન્સિંગ દૂર કરવા ગયેલા રાજકોટ સ્થિત જીવન કોમર્શિયલ બેંકના રિકવરી અધિકારી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર બે મહિલા સહિત દસથી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડી, કાતર જેવા હથિયારો સાથે એકસંપ થઈ જીવલેણ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે સમગ્ર બનાવ મામલે પોલીસે આરોપીઓ સામે હત્યા કરવાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર શહેરમાં કાયદાની કથળતી પરિસ્થિતિ વચ્ચે દસ જેટલા તોફાની તત્વો દ્વારા બેકાબૂ બની હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વાંકાનેરના લક્ષ્મીપરા સોસાયટી ખાતે આવેલા મિલ્કત વિવાદના મામલે રાજકોટના જીવન કોમર્શિયલ બેંકમાં લોન રિકવરી અધિકારી તરીકે ફરજ બજાવતા આબીદભાઇ નુરરૂદીનભાઇ ભારમલ ઉવ.૬૮ રહે.રાજકોટ અમીના ૬/૪ દિવાનપરા વાળા કોર્ટના આદેશથી અમીભાઇ અલાઉદીભાઇ ખોરજીયાની મિલ્કત ઉપર કરાયેલી ફેન્સિંગ દૂર કરાવવા માટે પહોંચ્યા હતા. જ્યારે મામલતદારની હાજરીમાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ત્યાં વાંકાનેર લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા આરોપીઓ (૧)હુશેનભાઇ અલીભાઇ અમરેલીયા (૨)તૌફીક ઇસુબભાઇ અમરેલીયા (૩)ફૈજાન હનીફભાઇ અમરેલીયા (૪)વસીમભાઇ અબાભાઇ અમરેલીયા રહે.ચારેય લક્ષ્મીપરા વાંકાનેર (૫)તૌસીફ હુશેન અમરેલીયા (૬)તનવીર બાબાભાઇ અમરેલીયા (૭)મસીરાબેન તૈસીફભાઇ અમરેલીયા (૮)જમીલાબેન હુશેનભાઇ અમરેલીયા (૯)રહીમભાઇ મુલ્તાની રહે.ચંદ્રપુર (૧૦)અયાન વસીમભાઇ અમરેલીયા સહિતના ત્યા આવી એકદમ ઉશ્કેરાય જઇ એકસંપ કરી લાકડી, કાતર જેવા હથીયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી, ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા સાહેદોને શરીરે ઢીકાપાટુનો માર મારી ગળાના ભાગે ઇજા કરી હતી. જે બાદ ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખી તેમજ સાહેદ-ચેતનભાઇ ધ્રુવનો મોબાઇલ ઝપાઝપીમા ઝુટવી લીધો હતો. તોફાની તત્વો એટલા હિંસક બન્યા હતા કે ફરીયાદી તથા સાહેદ-બ્રિજેશભાઇ દવેના ચશ્મા તોડી નાખ્યા હતા, ત્યારે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયદે મંડળી રચી જીવલેણ હુમલો કર્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.