મોરબી શહેરના મુખ્ય માર્ગો પર શિયાળામાં ખાખી વર્દીમાં ગરીબ અને ભિક્ષુક વ્યક્તિઓને ગરમ ધાબળા ઓઢાડવાના સેવાકાર્ય થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. જે સેવા કાર્ય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PSI અરૂણભાઇ મિશ્રાની કામગીરીની સરાહના કરી તેમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI અરૂણભાઇ મિશ્રાએ શિયાળા દરમિયાન મુખ્યમાર્ગો પર ભિક્ષુકોને ગરમ ધાબળા ઓઢાડી સેવાકાર્ય થકી માનવતાની મહેક પ્રસરાવી હતી. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી કામગીરીની સરાહના કરી છે. અને જણાવ્યું છે કે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર અડધી રાત્રે દુકાનના ઓટલા પર સૂતેલા ગરીબ, અનાથ, ભિક્ષુકોને ગરમ ધાબળા, સાલ ઓઢાડીને શિયાળાની ઠંડીમાં માનવતાપૂર્ણ કામ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મનની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યને સ્વાન્ત: સુદ્ધાય નામ આપ્યું હતું. જે કાર્ય ફક્ત પોતાના મનને આનંદ અને શાંતિ મળે તે માટે કરવામાં આવે છે. આપની ફરજ પાલન સાથે સાથે આપ પણ સ્વાન્તઃ સુખાયની વડાપ્રધાનની સંકલ્પનાને ચરિતાર્થ કરી રહ્યા છો અને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવામાં અનેક ગરીબ લોકોના સહાયક બન્યા છો. એ બિરદાવવાલાયક છે. સામાન્યતઃ લોકોના મનમાં પોલીસનો ભય હોય અને ડરની છબિ હોય છે. પરંતુ આપની આ કામગીરી પોલીસ અને લોકોને નજીક લાવી પોલીસ અને લોકો વચ્ચે મિત્રતાનું વાતાવરણ ઊભું કરવામાં સહાયક બની રહી છે તે પ્રશંસનીય છે. ત્યારે આ જ પ્રકારે કર્મનિષ્ઠાની સાથે ફરજ બજાવવાની સાથે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પોલીસની લોકોમાં અસરકારાત્મક છબિ ઊભી કરવામાં આપનું યોગદાન આપી આત્મ સંતુષ્ટિ પ્રાપ્ત કરતા રહો એવી અંતરતમ્ શુભકામનાઓ પાઠવું છું.