ટંકારા તાલુકાના નાના રામપર ગામે અસમાજિક તત્વોના આતંકને લઈ સહકારી અગ્રણીઓ તથા નગરજનો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પાઠવવામાં આવ્યું છે. જેમાં એક ઈસમે મંદિરના નવ નિર્માણ અને મંડળીમાં અડચણો ઉભી કરી માથાકૂટ કરી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ટંકારાના નાના રામપરના રહેવાસીઓએ ટંકારા મામલતદાર કચેરી અને પોલીસ મથકે લેખિત ફરિયાદ સાથે આવેદન આપવા માટે પહોચ્યા હતા. જેમાં જણાવાયું હતું કે ગામના પાદરે રામદેવપીરનું જુનું મંદિર આવેલ છે. તેને પાડી નવનિર્માણ માટે કામ ચાલુ છે ત્યારે ગત તારીખ 06 એપ્રિલના રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે મંદિર નજીક રહેતા રણજીતસિંહ ઉર્ફે રણુભા ઝાલા કાર લઈને આવી મંદિરનુ કાર્ય કરી રહેલ ગામજનો સાથે માથાકૂટ કરી એલફેલ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મૌખિક તદુપરાંત લેખિત રજૂઆત કરી સહકારી મંડળીની કાર્યવાહી પોતાની માલિકીની જગ્યામાં કરી મંડળી સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યાની ફરિયાદ કરી હોવા છતાં પગલા લેવામાં આવ્યા ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
આ સમગ્ર રજૂઆત અંગે રણજીતસિંહ ઝાલાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ એક રાજકીય ખાર રાખી કુટુંબના ભાઈઓને આગળ ધરી ખોટી ફરિયાદ કરવાનું કાવતરું છે મે દોઢ દશકો મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે અને તાલુકા મથકે પણ સહકારી અગ્રણી તરીકે કાર્યરત હતો બીજી વાત રહી મંદિર નવનિર્માણની તો કાટમાળ તોડી કચરો રસ્તા વચ્ચે ઠલવાયો હોય ગામમાં અને મારા ઘરે આવવા જવા અડચણ રૂપ હોય જે અંગે ધ્યાન દોર્યું હતું એ સિવાય બિજી કોઈ બાબતો નથી તેમ વાતચીતમાં જણાવ્યું હતું.