મોરબીના સામાજિક કાર્યકર દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે મોરબી વિસ્તારના ખખડધડ રોડ રસ્તા વહેલી તકે બનાવવામાં આવે. તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ચૂંટણી પહેલા તમામ કામો પૂર્ણ કરવાના વચનો આપ્યા હતા તેમ છતાં પણ હજુ સુધી રોડ રસ્તાના કામો થયા નથી. ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ રોડ રસ્તાની કામગીરી હાથ ધરાઈ નથી. ત્યાં ફરીથી ચોમાસુ નજીક આવે તે પહેલાં તાત્કાલિક ધોરણે રોડ રસ્તાના કામ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે…
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈ વગેરે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી મોરબીમાં આવેલ ખખડધજ રોડ જેમાં સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, દરબારગઢ થી ગ્રીનચોક અને ગ્રીન ચોકથી નહેરૂ ગેઇટ તેમજ જડેશ્વર રોડ, મચ્છી પીઠ રોડ, આશ્વાદ પાન વાળો રોડ વિગેરે સંપુર્ણ નાશ પામેલ હોય તે નવો બનાવી આપવા બાબતે રજૂઆત કરી છે. વધુમાં જણાવ્યું છે કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી મોરબીના વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. તેમાં પણ હવે દુકાનોમાં પાણા ઉડે છે એવી કપચીઓ નાખી દીધી છે. આ અગાઉ પણ રોડ રસ્તા બાબતે રજૂઆત કરાઈ હતી. છતાં કોઇ નિકાલ કરવામાં આવ્યો નથી. તેમાં પણ હવે હનુમાન જયંતી, વેલનાથ જયંતી, મહાવીર જયંતી જેવા અનેક તહેવારો આવી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાની કામગીરી હાથ ધરાશે કે તેમ ને તેમ રહેશે તેવા સવાલ મોરબીના લોકો કરી રહ્યા છે. વધુમાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કાંતિભાઈ બહુ મોટી મોટી વાતો કરતા હતા કે ચોમાસુ વિદાય લીધા બાદ તમામ રોડ રસ્તાને તાત્કાલીક નવા બનાવી આપશું તેવું વચન અને ખાતરી આપી હતી. ત્યારે વેપારીઓ અને સામાન્ય જનતા માંગ કરી રહયા છે કે બીજુ ચોમાસુ આવશે તેમ છતાં હજુ સુધી વચન પ્રમાણે એક પણ રોડ બનાવ્યો નથી. તેમજ આ રોડ રસ્તા પરથી હજારો લોકો પસાર થતાં હોય જો વહેલી તકે રોડ બનાવવામાં નહિ આવે તો અક્સ્માતને કારણે મૃત્યુ થવાની સંભાવના રહે છે. તેથી વહેલી તકે આ અરજી ને ઘ્યાને લઇને નવા રોડ બનાવી આપવા સમાજિક કાર્યકર્તાઓએ માંગ કરી છે.