હળવદ તાલુકાના ચરાડવા ગામે બે જૂથ વચ્ચે સામસામી બોલાચાલી બાદ છરી અને પાઇપ વડે મારામારી થતા બન્ને પક્ષના લોકો ઘાયલ થતા ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા હતા. બાદમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાતા હળવદ પોલીસે બનવાની વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નરોતમભાઈ રામજીભાઈ દલસાણીયા (ઉ.વ.૩૯) રહે. ચરાડવા વાળાએ ચરાડવા ગામના જ રાજુભાઈ, જયેશ રાજુભાઈ, સાગર રાજુભાઈ અને રાતાભેર ગામના એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, બોલાચાલી કરીને જયેશે છરીથી તેમના હાથની વચલી આંગળી અને કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. તથા તેમના પુત્ર આશિષને સામેવાળા સાગરે ધોકા વડે ખભા અને હાથના ભાગે ઘા મારી નીચે પછાડી દીધા બાદ માથાના ભાગે પણ ઇજા પહોંચાડી હતી. તેમજ રાજુભાઇ અને એક અજાણ્યા શખ્સે નરોતમભાઇ અને આશિષને ઢીકાપાટુનો માર મારીને બન્નેને જાનથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે વિજય રાજુભાઈ થરેશા ઉંમર ૨૩ રહે. ચરાડવા વાળાએ નરોત્તમભાઈ રામજીભાઈ, નરોત્તમભાઈના પત્ની અને આશિષ નરોત્તમભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફરિયાદી વિજયભાઈને તથા સાહેદ રાજુભાઈ રાઠોડને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો. રાજુભાઈ રાઠોડને છરીથી કમરના ભાગે, જમણા પગના થાપાના ભાગે અને પીઠ પાછળ છરીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે અનુપમભાઈની પત્નીએ રાજુભાઈને છરી મારી સામાન્ય ઇજા પહોંચાડી હતી. ઉપરોક્ત શખ્સો જેમફાવે તેમ ગાળો બોલી, ઢીંકાપાટુનો માર મારી બાદમાં રાજુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદ કરી હતી. હળવદ પોલીસ મથકના મહિલા પીએસઆઇ આર.સી.રામાનુજે બંને પક્ષોની સામસામી ફરિયાદો નોંધીને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.