ટંકારાના હરબટીયાળી ગામ નજીક હિટ એન રન અકસ્માતના બનાવમાં નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આગળ જઈ રહેલા બાઇકને ટક્કર મારતા, બાઇક સવાર માતા-પુત્ર રોડ ઉપર પટકાયા હતા, જેમાં ડમ્પરનું તોતિંગ વ્હીલ મહિલાના માથા ઉપર ફરી વળતા, પુત્રની નજર સમક્ષ માતાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો, જે ડમ્પરને ટંકારા ખાતે રોકવા પ્રયત્ન કરેલ ત્યાંથી પણ તે રોકાયો ન હતો. હાલ બાઇક ચાલકની ફરિયાદને આધારે ટંકારા પોલીસે નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિટ એન રન અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર, મૂળ પડધરી તાલુકાબ ફતેપુર ગામના વતની હાલ રહે. રાજકોટ-મોરબી હાઇવે જબલપુર ગામના પાટીયા નજીક ઝૂંપડામાં રહેતા વિપુલભાઈ કરશનભાઇ જુંજા ઉવ.૨૬ ગઈ તા.૦૭/૦૪ ના રોજ પોતાના મામાને ત્યાં માતાજીના માંડવાનો પ્રસંગ હોય , ત્યાં બપોરના જમીને વિપુલભાઈ અને તેમની માતા ખીમીબેન મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-એજે-૨૬૦૯ લઈને પરત આવતા હોય ત્યારે, હરબટીયાળી ગામની સહકારી મંડળી નજીક વળાંકમાં પાછળથી આવતા નંબર પ્લેટ વિનાનું ડમ્પર કે જેની આગળ ‘રાધે શ્યામ’ લાગેલું હોય તેણે આગળના વાહનનો ઓવરટેક કરવા જતાં, ડમ્પર વિપુલભાઈના બાઇકને અડી જતા, વિપુલભાઈએ બાઇક ઉપર કાબુ ગુમાવ્યો હતો, જેથી બંને માતા-પુત્ર રોડ ઉપર પડી ગયા હતા, જે દરમિયાન ખીમીબેનના માથા ઉપર ઉપરોક્ત ડમ્પરનું વ્હીલ ફરી જતા, તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી હંકારી જઈ નાસી ગયો હતો. હાલ અકસ્માતમાં મૃત્યુ અંગેની ફરિયાદ વિપુલભાઈ દ્વારા ટંકારા પોલીસ મથકમાં નોંધાવતા, પોલુસે અજાણ્યા ડમ્પરના આરોપી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી, તેને પકડી લેવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.