ગુજરાત એ. ટી. એસે અન્ય રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો મેળવનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત એ. ટી. એસે સાત લોકોની અટકાયત કરી તેમની તપાસ કરતા તેમણે મણીપુર તેમજ નાગાલેન્ડ સહિતના રાજ્યમાંથી પોતાના ગેંગ સિવાય ગુજરાતના અનેક લોકોને બોગસ હથિયાર લાયસન્સ અપાવ્યા હતા. જેમાં કુલ ૪૯ લોકોની સંડોવણી ખુલવા પામી હતી. જે પૈકી ૧૬ લોકોની આજરોજ અટકાયત કરી તેમની પાસેથી ૦૮ રિવોલ્વર, તેના ૩૧૦ રાઉન્ડસ, ૦૨ પિસ્તોલ તેમજ તેના ૮૮ રાઉન્ડસ અને ૦૫12 બોર ગન તથા તેના ૯૧ રાઉન્ડ મળી કુલ ૧૫ હથિયાર સાથે ૪૮૯ રાઉન્ડ્સ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના આપી હતી. જે સૂચના અતંર્ગત નારોકિટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું. તે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને બાતમી મળી કે વિશાલ પંડયા, ઝરીવાલા ધૈર્ય, અલગોતર અર્જુન, મહેતા ધ્વનિત, પબામ્ભા મુકેશ, ભરવાડ શેલાભાઇએ હરીયાણા, નુહમાં બંદુકની દુકાન ધરાવતા સૌકતઅલી, ફારુકઅલી, સોહીમઅલી તથા આસીફને મોટી રકમ આપી તેમની પાસેથી મણીપુર તેમજ નાગાલેન્ડ રાજયના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેમની પાસેથી હથિયારો ખરીદી લાવ્યા હતા. તેમજ પોતાના ગેંગના તેમજ ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સો તથા હથિયારો અપાવડાવ્યા હતાં. જે આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૭/૦૪/૨૦૨૫ ના રોજ ગુના નં I-૦૨/૨૦૨૫ હેઠળ આર્મસ એક્ટની કલમ નં ૨૫(૧-બી)(એ), ૨૭, ૨૯, ૩૦ હેઠળ કુલ સાત ઈસમો સેલાભાઇ વેલાભાઇ બોળીયા, વિશાલ મુકેશભાઈ પંડ્યા, અર્જુન લાખુભાઇ અલગોતર, ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, સદ્દમ હુસૈન, બ્રીજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા તેમજ મુકેશ રણછોડભાઈ બાંભા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની પુછપરછ દરમ્યાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગના કુલ ૪૯ ઈસમોની સંડૉવણી હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી ૧૬ ઈસમો અનિલ ગૌરિશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ, દેહુલ રાજુ ભરવાડ,દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદિશ રેવા ભુવા, લાખા રઘુ ભરવાડ, મનિશ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મિર, રમેશ ભોજા ભરવાડ, રિશિ ઉમેશભાઈ દેસાઈ, સમિર ભિખુ ગધેથરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંડા ભરવાડની તા. ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૦૧ વાગ્યે અટકાયત કરવામાં આવી છે. જે અટક કરેલાક ઇસમો પૈકી કેટલાક અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હતા. જે ૧૬ લોકો પાસેથી ૦૮ રિવોલ્વર, તેના ૩૧૦ રાઉન્ડસ, ૦૨ પિસ્તોલ તેમજ તેના ૮૮ રાઉન્ડસ અને ૦૫12 બોર ગન તથા તેના ૯૧ રાઉન્ડ મળી કુલ ૧૫ હથિયાર સાથે ૪૮૯ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. જેને આધારે એ.ટી.એસ. ગુજરાત ખાતે ૧૬ ઈસમો વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..અત્યાર સુધી બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ ૨૩ ઇસમોની અટકાયત કરવામાં આવી છે. તે ઉપરાંત કુલ ૧૦૮ ઈસમોએ પણ શંકાસ્પદ રીતે હથિયાર મેળવેલ હોય જેથી આ કેસમાં ઘણાં હથિયારોની રીકવરી થવાની શક્યતા રહેલી છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સામેલ ઈસમો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.