વાંકાનેર તાલુકાના તીથવા ગામમાં માટીના ડમ્પર ફેરાને લઈને બે જૂથો વચ્ચે ઘમાસાણ મારામારી થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના ૮ થી વધારે સભ્યોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે બંને પક્ષોએ વાંકાનેર તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવાના આવતા, પોલીસે કુલ ૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામે ૧૬ એપ્રિલના રોજ સવારે આશરે પાંચ વાગ્યે ગામના પેટ્રોલ પંપ નજીક માટીના ફેરાને લઈને ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં તીથવા ધાર લાલશાનગર રહેતા સહદેવભાઈ સાદુરભાઈ ફાંગલિયા ઉવ.૩૨ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે, તેમના ભાઈ કમલેશભાઈ ડમ્પરના માટી ફેરાના વ્યવસાયમાં છે. ત્યારે આરોપી ભરતભાઈ, છગનભાઈ, મોનાભાઈ બાંભવા તથા એક અજાણ્યા શખ્સે તેમને તીથવામાં ફેરા ન કરવાના મુદ્દે અટકાવ્યા અને પાઈપ તથા લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ફરીયાદી તથા તેમના ભાઈઓ નીકુલભાઈ અને કમલેશભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી.
બીજી તરફ, તીથવા ગામે રહેતા ભરતભાઈ હીરાભાઈ બાંભવા ઉવ.૩૬ દ્વારા પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી કમલેશભાઇ સાદુરભાઇ ફાંગલીયા, નીકુલભાઇ સાદુરભાઇ ફાંગલીયા, સહેદવભાઇ સાદુરભાઇ ફાંગલીયા તથા કમલેશભાઇનો ભાઇ રહે.બધા તીથવા વાળાઓએ તેમની ગાડી અટકાવી, પાઈપ તથા ધોકા વડે માથામાં અને શરીરે માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમની સાથે મોનાભાઈ અને છગનભાઈને પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઇ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદોને આધારે બીએનએસની અલગ અલગ કલમો તથા જીપી એક્ટ હેઠળ બન્ને પક્ષોના કુલ ૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.