મોરબીના ભવાની ચોક નજીક આવેલ વિશ્વકર્મા નામના કારખાને વેપાર-ધંધાના બાકી રહેલા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા ધંધાદારીને કારખાનેદાર પિતા-પુત્રએ બેફામ અપશબ્દો આપી, ઢીકા પાટુનો માર મારી, માથાના ભાગે છરીનો એક ઘા ઝીંકી, હવે પછી રૂપિયાની ઉઘરાણીએ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ બાદ સારવારમાં રહેલ ધંધાદારીએ કારખાનેદાર પિતા-પુત્ર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના ગ્રીન ચોક નજીક કંસારા શેરીમાં રહેતા દીપેનભાઈ અનંતરાય કરથીયા ઉવ.૪૫ એ હોસ્પિટલના બિછાનેથી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી દિલીપભાઈ કાળુભાઇ ચનીયારા તથા આરોપી કાળુભાઇ ચનીયારા વિશ્વકર્મા કારખાનાવાળા બન્ને રહે.મોરબી ભવાની ચોક રાજ ગેરેજ વાળી શેરી લખધીરવાસ ચોક વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી દીપેનભાઈએ ચારેક માસ પહેલા પોતાના રાજકોટ સ્થિત સગા પાસેથી સ્ટીલના પતરા આ વિશ્વકર્મા કારખાનાવાળા આરોપી કાળુભાઈને બાકીમાં અપાવ્યા હતા, જેના રૂપિયા ૧૯ હજાર જેટલા રૂપિયા હજુ વિશ્વકર્મા કારખાનાવાળા કાળુભાઇ પાસેથી લેવાના બાકી હોય જે રૂપિયા માટે તેઓ દીપેનભાઈને વારંવાર ધક્કા ખવડાવતા હોય, ત્યારે ગઈ તા.૧૭/૦૪ના રોજ રાત્રીના ૯ વાગ્યા આસપાસ દીપેનભાઈ વેપાર-ધંધાના બાકી રહેલા રૂપિયાની ઉઘરાણી બાબતે ઉપરોક્ત વિશ્વકર્મા કારખાને ગયા ત્યારે આરોપી દિલીપભાઈ અને કાળુભાઇએ દીપેનભાઈને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, જે બાદ આરોપી દિલીપભાઈએ વધુ ઉશ્કેરાઈ જઈને દીપેનભાઈને માથામાં કાનની ઉપર છરીનો એક ઘા મારી દીધો અને ‘ હવે પછી રૂપિયાની ઉઘરાણીએ આવશે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી, ત્યારે લોહી-લુહાણ હાલતમાં દીપેનભાઈ મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા, જ્યાં દીપેનભાઈને માથામાં ચાર ટાંકા આવ્યા હતા, હાલ પોલીસે દીપેનભાઈની ફરિયાદને આધારે બંને આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.