વાંકાનેર પોલીસ ડિવિઝન ટીમ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, વિવિધ ડેમો દ્વારા આત્મવિશ્વાસ અને સુરક્ષા વિષે માર્ગદર્શન અપાયું.
મહિલા અને બાળાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા મોરબી પોલીસ દ્વારા વાંકાનેરમાં ૧૫ દિવસીય કરાટે તથા સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા તાલીમના સમાપન સમારોહમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વિવિધ સ્વ-રક્ષણ ડેમો રજૂ કરી, સાથે પોલીસના આધુનિક હથિયાર તથા શી-ટીમ અને સાઇબર સુરક્ષા વિશે પણ જાણકારી અપાઈ હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના અનુસાર, મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા અને તાલુકા પોલીસના ડી.વી. ખરાડીના માર્ગદર્શન હેઠળ ૧૫ દિવસીય કરાટે અને સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં વાંકાનેર તાલુકાની ૧૫૦ અને વાંકાનેર સીટીની ૨૦૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન વિવિધ સ્વરક્ષણ ટેકનીકો, કરાટેના કોષલ્ય અને આપત્તિ સમયે દુપટ્ટો, પાણીની બોટલ અને સ્કૂલબેગનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો જીવંત ડેમો આપવામાં આવ્યો હતો.
સમારોહમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, મામલતદાર કે.વી. સાનીયા, ચીફ ઓફિસર જી.એસ. સરૈયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન દિવ્યાંગ બાળકોને ભેટ અને રમકડાં અપાઈ, જે મોરબી પોલીસની સંવેદનશીલતા દર્શાવે છે. વિદ્યાર્થીઓએ વાંકાનેર મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ અધિકારીઓ પાસેથી પોલીસ વિભાગની કામગીરીની વિગતો મેળવી હતી. રીઝર્વ પોલીસના ઇન્સ્પેક્ટર એસ.એમ. ચૌહાણ દ્વારા આધુનિક હથિયારનું પ્રદર્શન અને શી-ટીમ તથા ટ્રાફિક અને સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
એસ.પી.સી. વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પરેડ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત મહેમાનોએ તાળીઓથી વખાણી હતી, કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીનીઓને હળવો નાસ્તો આપવામાં આવ્યો અને પોલીસ બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા.