હોટલે જમવાનું લેવા ગયા, અને અજાણ્યા વાહન ચોરે માત્ર ૧૫ મિનિટમાં પ્લેઝર ઉપાડી લીધું
મોરબી શહેરમાં વધુ એક મોટર સાયકલ ચોરીની ફરિયાદ અત્રેના પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર બચુબાપાની હોટલે જમવાનું લેવા ગયેલ પ્લમ્બરે પાર્ક કરેલ મોપેડની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સેન્ટમેરી ફાટક નજીક મફતિયાપરામાં રહેતા અને પ્લમ્બિંગનો ધંધો કરતા નાનજીભાઈ જીવાભાઈ પરેસા ઉવ.૪૬ ગઈ તા.૨૦/૦૪ના રોજ બપોરના આશરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પોતાનું હીરો હોન્ડા કંપનીનું પ્લેઝર રજી.નં. જીજે-૦૩-સીએન-૯૮૩૩ લઈને રેલ્વે સ્ટેશન રોડ સુરજબાગ નજીક આવેલ બચુબાપાની હોટલે જમવાનું લેવા આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાનું પ્લેઝર હોટલ નજીક પાર્ક કર્યું હતું, રવિવારને લીધે બચુબાપાની હોટલે ભીડ હોય જેથી જમવાનું લેવામાં થોડી વાર લાગી હતી, જે બાદ ૧૫ મિનિટમાં પરત આવીને જોતા, પ્લેઝર મોપેડ પાર્ક કરેલ જગ્યાએથી ગાયબ હોય, જેથી આજુબાજુમાં તપાસ કરતા પ્લેઝર મોપેડ નહીં મળતા, નાનજીભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી, વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.