ટંકારાની લતીપર ચોકડી પાસેના ઓવરબ્રિઝ ઉપર રોંગ સાઈડમાં આવી રહેલા એકટીવા મોપેડે સામેથી આવતા અન્ય એકટીવાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતની ઘટનામાં રોંગ સાઈડમાં આવી અકસ્માત સર્જનાર એકટીવા ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સામેના એકટીવા ચાલકને માથાના તથા શરીરે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારાના ઓટાળા ગામના વતની હાલ મોરબી રવાપર ઘુનડા રોડ ઉપર વેલકમ પ્રાઇડ સોસાયટી બ્લોક નં. સી-૧૦૨માં રહેતા મયંકભાઇ લલીતભાઇ ભાલોડીયા ઉવ.૨૨ એ ટંકારા પોલીસ મથકમાં મૃતક આરોપી એકટીવા રજી. નં. જીજે-૩૬-એએમ-૫૭૮૬ના ચાલક અનવરભાઇ સીદિકભાઇ સરર્વદી રહે.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૦૯/૦૪ના રોજ મયંકભાઈ પોતાનું એકટીવા રજી.નં. જીજે-૩૬-એએ-૮૯૭૪ લઈને જતા હોય તે દરમિયાન ટંકારા રાજકોટ રોડ ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રીજ ઉપર અનવરભાઈ પોતાનું એકટીવા રોંગ સાઈડમાં પુરઝડપે ચલાવી આવી, મયંકભાઈના એકટીવાને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં મયંકભાઈને શરીરે નાની મોટી ઇજા પહોંચી હતી, જ્યારે અનવરભાઈને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે નાની મોટી ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. જે ફરિયાદને આધારે ટંકારા પોલીસે મૃતક આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.