ફોરવ્હીલ કાર સાથે રોકડ રકમ અને ડોક્યુમેન્ટસ ભરેલ થેલાની પણ ચોરી.
ટંકારા તાલુકાના મીતાણા ગામે આવેલા યદુનંદન પેટ્રોલ પંપની ખુલ્લી જગ્યામાંથી પાર્ક કરેલી એક બલેનો કાર તથા સાથે રોકડા રૂપિયા ૨૫,૦૦૦ તથા અગત્યના દસ્તાવેજો ભરેલ થેલો ભરેલ, જે કાર અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ જતા કાર-માલીક દ્વારા ટંકારા પોલીસ મથકમાં વાહન ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના બેડી ગામ પાસે ઇન્દ્રપ્રસ્થ-૦૬ સોસાયટી બ્લોક નં.૭ માં રહેતા મૂળ જામનગર જીલ્લાના જોડીયા ગામના વતની અંબરીષકુમાર હેમરાજભાઇ ભીમાણી ઉવ.૩૧ એ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું કે તા. ૨૨/૦૪ના રોજ રાત્રે ૧.૩૦ થી ૩.૩૦ વચ્ચે મીતાણા ગામના યદુનંદન પેટ્રોલ પંપની ખુલ્લા પાર્કિંગમાંથી તેમની માલિકીની ગ્રે કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર રજી. નં. જીજે-૩૬-એએફ-૭૨૬૧ કિ.રૂ.૬ લાખ તેમજ કારમાં રાખેલ રોકડ રકમ રૂ.૨૫ હજાર અને અગત્યના ડોક્યુમેન્ટ્સનો થેલો અજાણ્યા શખ્સ ચોરી કરી લઈ ગયો હતો, હાલ ટંકારા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.