વાંકાનેરના ધમલપર ગામ નજીન આવેલ જેટકોના ૨૨૦ કેવી. સબ સ્ટેશનમાં ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ કેપેસીટર બેંકના એક રીયકટર વજન ૩૦૦ કિલો કિ.રૂ. ૫૦ હજારની કોઈ ચોરી કરી લઈ ગયા હોવાની અત્રેના સીટી પોલીસ મથકના ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ સબ સ્ટેશનમાંથી ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, ત્યારે વાંકાનેર સીટી પોલીસે ચોરીની આ ઘટના મામલે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ચોરી થયા અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર ધમલપર નજીક આવેલ જેટકોના ૨૨૦ કેવી. સબ સ્ટેશનના ઇન્ચાર્જ નાયબ ઈજનેર નિકુંજભાઈ ભવાનભાઈ રામાણી ઉવ. ૩૬ રહે. બ્લોક નં-૧૮ પુષ્કરધામ એવન્યુ-૨ મોરબી રોડ રાજકોટ વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, ગઈ તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સવારે તેમને જુનિયર ઇજનેર ચિરાગભાઈ સુમનાણીએ ફોન કરી જણાવ્યું કે સબ સ્ટેશનમાં કેપેસિટર બેંકના ત્રણ રીયકટર પૈકી એક રીયકટર ગાયબ હોય, જેનું વજન આશરે ૩૦૦ કિ.ગ્રા હોવાનું અને તેની કિંમત આશરે રૂ. ૫૦,૦૦૦ હોય તે ગાયબ છે. ત્યારબાદ નિકુંજભાઈએ સ્થળ પર જઈ તપાસ કરી ત્યારે એક રીયકટર નહિ મળી આવતા, સિક્યુરિટી સહિતના સબ સ્ટેશન સ્ટાફ પાસે વિગતો માંગતા, ૨૮ ફેબ્રુઆરી રાત્રીના ૧ વાગ્યા સુધી રીયકટર હતા, જે બાદ તેની ચોરી થઈ હોય. જે મુજબની ફરિયાદને આધારે હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.