વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સંસ્કાર સીરામીક ટાઇલ્સના કારખાનામાં કામ કરતા શ્રમિકને પોતાના દામ્પત્ય જીવનમાં ઉભી થયેલી શંકાને લીધે પત્નીને માર માર્યો હતો, જેમાં પત્ની પરપુરુષ સાથે વાત કરે છે તેવી શંકા રાખી, પત્નીને લાકડીઓ ફટકારી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર પત્નીએ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી પતિ સામે ગુનો દાખલ કર્યો છે.
વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તાર માટેલ રોડ ઉપર સંસ્કાર ટાઈલ્સ કંપનીમાં બનેલ બનાવની મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના મવડિપાડા ફલીયા ગામના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક સંસ્કાર સીરામીક કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા રાજેશ મકના અમલીયારએ પોતાની પત્ની નીરુબેન રાજેશ અમલીયાર ઉવ.૩૫ ને શંકા રાખી બેફામ રીતે માર માર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પીડિતા નિરુબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૧૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે આરોપી પતિએ તેને બીજા પુરુષ સાથે વાત કરે છે એવી શંકા રાખી ગંદી ગાળો આપી, લાકડીઓ ફરકારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.