સોની બજાર સહિત અનેક સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ, બંગાળી કારીગરોના દસ્તાવેજોની તલાસી.
મોરબી: પહેલગામ આતંકી હુમલા પછી રાજ્યભરના સુરક્ષા પગલાં હેઠળ મોરબી પોલીસે સોની બજાર અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરનારા નાગરિકો વિરુદ્ધ વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને અનુસંધાને ગુજરાતભરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગેરકાયદેસર વસવાટ કરનારા નાગરિકો સામે કાર્યવાહી શરૂ થઈ છે. અમદાવાદ અને સુરત શહેરોમાંથી અત્યાર સુધીમાં આશરે ૧૦૦૦થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત મોરબી પોલીસ પણ સક્રિય બની છે. મોરબી શહેરના સોની બજાર સહિતના વિવિધ સ્થળોએ મોરબી એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. વિશિષ્ટ રીતે સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોના આધારકાર્ડ અને અન્ય ઓળખ દસ્તાવેજોની કડક ચકાસણી કરવામાં આવી હતી. દરેક નાગરિકના રહેણાંક પુરાવા અને ઓળખપત્રોની તપાસ કરીને સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે મોરબી પોલીસે જણાવ્યું કે, આ અભિયાન સતત ચાલુ રહેશે અને રાજ્યની શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સિટી પોલીસ દ્વારા નાગરિકોને પણ કાયદેસરના ઓળખ દસ્તાવેજો સાથે રાખવાની અપીલ કરવામાં આવી છે.