મોરબી તાલુકાના મકનસર નજીક સરતાનપર રોડ ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રકે બાઇકને હડફેટે લેતા, બાઇક ચાલકનું માથામાં ગંભીર ઇજાઓ પહોચતા, બાઇક ચાલક સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે મૃતકના પત્નીની ફરિયાદ ઉપરથી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક ક્યુસેવન સીરામીકની લેબર કોલોનીમા રહેતા મૂળ ફતેહપુર ગામ જી.કટીહાર(બિહાર)ના વતની જગદીશભાઈ સહદેવભાઈ રૂષી ઉવ-૩૩ સાહેદ સુનીલભાઈનું મોટરસાઈકલ રજી.નં- એમપી-૩૭-ઝેડઈ-૬૪૧૨ વાળુ ચલાવીને જતો હતો ત્યારે સરતાનપર રોડ ઉપર મોટો સીરામીક સામે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક રજી.નંબર- જીજે-૩૯-ટી-૧૬૦૩ વાળો ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી ગફલતભરી રીતે ચલાવી મોટરસાઈકલને સામેથી ઠોકર મારી જગદીશભાઈને વાહન અકસ્માતમા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના પત્ની સંજુબેનની ફરિયાદને આધારે પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.