મહાનગરપાલિકાના બેદરકારીના પાપે શ્રમિક પરિવારના માસુમ બાળકનું મૃત્યુ:હંમેશાની જેમ મનપા તપાસ સમિતિની રચના કરશે અને જવાબો મંગાવશે બસ પછી બધું બંધ!
મોરબીમાં સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલ ફાટક નજીક રમતા રમતા બાંધકામ શ્રમિક પરિવારનો ૬ વર્ષનો દીકરો નાલાની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો. ત્યારે મોરબી મહાનગરપાલિકાની બેદરકારી સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટના બાદ મહાપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબી શહેરના નવલખી રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે વીનુભાઇ આહીરની બાંધકામની સાઇટ ઉપર રહેતા મુળ રહે.ગામ મેંદરી તા.ધાનપુર જી.દાહોદના વતની શનાભાઇ કનુભાઇ નાયકના ૬ વર્ષના પુત્ર રવિ શનાભાઈ નાયક રમતા રમતા સેન્ટમેરી સ્કૂલ ફાટક પાસે આવેલી ખુલ્લી નાલાની કુંડીમાં પડી ગયો હતો. કુંડીમાં પડી જતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
આ દુઃખદ ઘટના બાદ મોરબીના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતના મહાનગરપાલિકા અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. આ બનાવથી શહેરમાં ચકચાર મચી ગઈ છે અને મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ખુલ્લી ગટરોને કારણે અનેક સ્થળોએ અકસ્માતોમાં લોકો તથા અબોલ જીવો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ પૂરતી કાર્યવાહી નહીં થવાના કારણે આવી કરુણ દુર્ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ત્યારે હાલ તો બી ડિવિઝન પોલીસે માસુમ બાળકના મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી, તપાસ શરૂ કરી છે.