વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાના ઠોળીયા ખેચી લૂંટ ચલાવી, દંપતીને ઇજા.
હળવદના જુના રાયસંગપર ગામે રહેતા વૃદ્ધ દંપતી રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે ઘરનો દરવાજો ખખડાવતા, જે દરવાજો વૃદ્ધ મહિલા દ્વારા ખોલતાની સાથે જ ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસીને મહિલાને નીચે પછાડી દઈ, કાનમાંથી સોનાના ઠોળીયા ખેચી લૂંટ ચલાવી હતી. હુમલામાં દંપતીને ઇજા પહોંચી હતી, હાલ તેઓએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઇ તારબુંદીયા અને તેમના પતિ બાવલભાઇ ધનાભાઈ તા. ૨૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ રાતે નવેક વાગ્યે સૂઈ ગયા હતા. રાત્રીના આશરે ત્રણ વાગ્યાના આસપાસ તેમના ઘરનો દરવાજો ખખડાવાતા રૂખીબેન જાગી ગયા હતા. અને તેઓએ દરવાજો ખોલતા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને પકડી ઢસડીને બહાર ખેંચી લીધા હતા અને તેમના પતિ જ્યારે બચાવ માટે આવ્યા ત્યારે તેમના પર પણ હુમલો કર્યો હતો. ત્રણે શખ્સોએ રૂખીબેનના જમણા કાનમાંના અને ડાબા કાનમાંના સોનાના ઠોળીયા (બુટીઓ) ખેંચીને કાઢી લીધા હતા, જેમાં કાનની બુટ તૂટી જતાં લોહી નીકળી ગયું હતું અને ઝપાઝપીમાં રૂખીબેનને જમણા પગમાં પણ ઈજા પહોંચી હતી. આ ઘટનામાં આશરે રૂ. ૧,૨૫,૦૦૦/- ની કિંમતના બે તોલાની સોનાની લૂંટ કરવામાં આવી હતી. જ્યારે વૃદ્ધ દંપતી દ્વારા ડેજારો કરતા, ત્રણેય અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા, ત્યારે સમગ્ર લૂંટ અને હુમલા અંગેની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ કલમ ૩૦૯(૨), ૫૪ હેઠળ ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.